Gujarat

લાકડીયા નજીક હાઈવે હોટલ પરથી ચોરાઉ ડીઝલ અને તેલના જથ્થા સાથે સંચાલકને LCBની ટીમે ઝડપી પાડ્યો

પૂર્વ કચ્છમાં હાઇવે હોટેલ ઉપર ઇંધણ તેલ ચોરીની ગેર પ્રવૃત્તિ ડામવા પેટ્રોલીંગમાં રહેલી એલ.સી.બી. પોલીસની ટીમે ભચાઉ તાલુકાના લાકડીયા નજીક હાઈવે હોટેલ પર થતી ટેન્કરમાંથી ડીઝલ અને ખાદ્યતેલની ચોરીને ઝડપી પાડી એક હોટેલ સંચાલક આરોપીની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી રૂ.1.67 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સામખિયાળી નેશનલ હાઈવ ઉપર જૂના કટારિયા સીમમાં આવેલી ખેમાબાબા હોટેલના સંચાલક આરોપી બાબુલાલ મુક્તારામ ચૌધરી (જાટ) પોતાના આર્થિક ફાયદા માટે અલગ-અલગ ટેન્કરોમાંથી ડ્રાઈવરોને નાણાં આપવાની લાલચ આપી ડીઝલ અને ખાદ્યતેલની ચોરી કરી-કરાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને ઇંધણ તેલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

હોટેલની પોલીસ તપાસ દરમિયાન અહીંથી 1200 લિટર ડીઝલ કિં. રૂા. 1 લાખ 6 હજાર 800 અને 400 લિટર ખાદ્યતેલ જેની કિં. રૂા. 36 હજારનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા જથ્થા અંગે આરોપી બાબુલાલ પૂરતા આધાર-પુરવા રજૂ કરી શક્યો ન હતો.

પૂછપરછ દરમિયાન સંગ્રહિત આ જથ્થો ટેન્કરમાંથી ચોરી કર્યો હોવાનું તહોમતદારે પોલીસ પુછપરછમાં કહ્યું હતું. પોલીસે આ કેસના આરોપીની ધરપકડ કરી ઈલેક્ટ્રીક પંપ કિં. રૂા. 20 હજાર, 5 હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે કુલ રૂા. 1 લાખ 67 હજાર 800નો મુદ્દામાલ કબજે લીધો હતો.