લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે એપ્રિલ માસની
તા.૨૪ અને તા.૩૦ તેમજ મે માસની તા.૪થી એ
ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવશે
અમરેલી તા.૨૩ એપ્રિલ,૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪- અમરેલી લોકસભા મતદાર વિભાગના ઉમેદવારને તેમના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ મુજબ ચૂંટણી લડતા દરેક ઉમેદવારને તેનું નામાંકન થયા તારીખથી તેનું પરિણામ જાહેર થાય તે તારીખ, બંન્ને તારીખો સહિત વચ્ચે ઉમેદવાર અથવા ઉમેદવારના ચૂંટણી એજન્ટ દ્વારા ચૂંટણીના સંદર્ભમાં કરેલા તમામ ખર્ચનો, ઉમેદવાર અથવા ઉમેદવારના ચૂંટણી એજન્ટે હિસાબ રાખવાના હોય છે.
ચૂંટણી ખર્ચના હિસાબ રાખવા માટેના નિયત ચૂંટણી ખર્ચ રજિસ્ટર ઉમેદવારોને આપવામાં આવે છે. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન ઉમેદવારના ખર્ચ રજિસ્ટરમાં દર્શાવવામાં આવેલા રોજેરોજના હિસાબની ઓછામાં ઓછી ત્રણ વખત તપાસણી કરાવવાની રહે છે.
ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રીના પરામર્શ મુજબની તપાસણી માટે સમય નિયત કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે નિયત કરવામાં આવેલ તારીખ અને સમયે સ્થળ પર ઉપસ્થિત રહેવું. નિયત સમય પત્રક મુજબ ઉમેદવારે રુબરુ અથવા પોતાના ચૂંટણી એજન્ટ અથવા ઉમેદવાર દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા કોઇ વ્યક્તિ મારફત ઉમેદવારના ચૂંટણી ખર્ચ રજિસ્ટર, ચૂંટણી ખર્ચના ક્રમસર ગોઠવવામાં આવેલા વાઉચર સહિતના દસ્તાવેજો અને વિગતો સાથે ઉપસ્થિત રહેવું.
ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકશ્રી કે અધિકૃત અધિકારીશ્રીને ચૂંટણીખર્ચને લગતી આ બાબતો રજૂ કરવાની રહે છે. આથી ઉમેદવારશ્રીઓને ચૂંટણી ખર્ચના રોજેરોજના હિસાબોની તપાસણી માટે ચૂંટણી ખર્ચ રજિસ્ટર, ક્રમસર ગોઠવેલા વાઉચર સહિતના દસ્તાવેજો અને વિગતો સાથે તા.૨૪ એપ્રિલ, ૨૦૨૪ તા.૩૦ એપ્રિલ, ૨૦૨૪ અને તા.૪ મે, ૨૦૨૪ના રોજ સવારે ૧૧ વાગ્યે અમરેલી જિલ્લા પંચાયત કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ઉપસ્થિત રહેવું, તેમ ૧૪-અમરેલી લોકસભા મતદાર વિભાગ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
દિવ્યા ૦૦૦
