Gujarat

સોનાના ભાવમાં રામાયણ, કારીગરોના જીવનમાં મહાભારત; દરરોજ થતાં શુદ્ધ સોનાની ખરીદ- વેંચાણના સોદા મહદઅંશે બંધ

જામનગરમાં સોનાના ભાવમાં રામાયણથી કારીગરોના જીવનમાં મહાભારતની સ્થિતિ સર્જાઇ છે. કારણે કે, સોનાના બિસ્કીટના ભાવ વધીને રૂ.7 લાખને પાર થતાં જામનગરમાં સુર્વણ કારીગરોના કામધંધા સપ્તાહથી ઠપ્પ છે. નવી સોનાની ખરીદી મહદઅંશે બંધ થતાં સોનીબજાર સૂમસામ જોવા મળી રહી છે. મોંઘાભાવની સોનાની ખરીદીને બદલે જૂના સોનામાંથી નવા દાગીના બનાવવાના પ્રમાણમાં વધારો થયો છે. દરરોજ થતાં શુધ્ધ સોનાની ખરીદી-વેંચાણના સોદા મહદઅંશે બંધ થઇ ગયા છે.

રાજયભરમાં સોનાના બિસ્કીટના ભાવ રૂ.7 લાખને પાર થયા છે. ત્યારે સોનાના ભાવમાં આઝ ઝરતી તેજીની ખૂબજ માઠી અસર જામનગરમાં જોવા મળી છે. સોનાના ભાવ ભડકે બળતા જામનગરની સોની બજારમાં કામકાજ સપ્તાહથી વધુ સમયથી ઠપ્પ થઇ ગયા છે. ખાસ કરીને નવી ખરીદીને મહદઅંશે બ્રેક લાગતા સોની બજાર સૂમસામ જોવા મળી રહી છે.

ખાસ કરીને સોનાના છૂટક અને જથ્થાબંધ દાગીના બનાવતા કારીગરોના કામ બંધ થતાં તેઓના જીવનમાં મહાભારત જેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, નવા દાગીના બનાવવાના કામ ન મળતા દૈનિક ખર્ચ પણ ન નીકળતા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

સોનાના ભાવમાં સતત વધારાથી લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે અને જૂના સોનામાંથી નવા દાગીના બનાવવા તરફ વળ્યા છે. સોનાના ભાવ રોકેટ ગતિએ વધતા જામનગરની સોની અને ચાંદી બજારમાં મંદીના માહોલથી વેપારીઓ અને કારીગરોને હવે આગામી દિવસોમાં સોનાના ભાવ હજુ વધશે તો સ્થિતિ વધુ કપરી બનશે તેની ચિંતા સતાવી રહી છે.

રોકડા અને બીલ સાથેના શુદ્ધ સોનાના બિસ્કિટના ભાવમાં રૂા. 22,000 થી વધુનો તફાવત

સોનાના ભાવમાં આગ ઝરતી તેજીના કારણે બિસ્કીટના ભાવ રૂ.7 લાખને પાર થયા છે. જામનગરમાં રોકડા અને બીલ સાથેના સોનાના ભાવમાં રૂ. 22000થી વધુનો ભાવ ફેર બોલાઇ રહ્યો છે. બીલ વગર સોનાના બિસ્કીટનો મંગળવારનો ભાવ રૂ.687000 તો બીલ સાથે સોનાના બિસ્કીટનો ભાવ રૂ.711000 હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. બીલ સાથેના સોનાના બિસ્કીટમાં 3 ટકા જીએસટી ચૂકવવો પડે છે.

નવા દાગીનાના ઓર્ડર બંધ, દૈનિક ખર્ચ કાઢવા મુશ્કેલ બન્યા

સોનાના બિસ્કીટના ભાવ 7 લાખને પાર થતાં નવા કામના ઓર્ડર સપ્તાહથી વધુ સમયથી બંધ થઇ ગયા છે. જેના કારણે દુકાનના દૈનિક ખર્ચ કાઢવા મુશ્કેલ બન્યા છે. આટલું જ નહીં દુકાનના ભાડા, ઇલેકટ્રીક બીલ, લોનના હપ્તા ચૂકવવા સહિત ઘરનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જો સોનાના ભાવ ઘટશે નહીં તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કપરી બનશે. > મુકેશભાઇ વેરતિયા, સુર્વણ કારીગર, જામનગર

જામનગરની સોના-ચાંદી બજારમાં 800થી વધુ કારીગર, 50થી વધુ વેપારી

જામનગરની સોની અને ચાંદી બજારમાં સુર્વણ અને બંગાળી સહિત 800 થી વધુ કારીગર છે તો 50 થી વધુ વેપારી છે. જે શુધ્ધ સોનું, સોનાના દાગીના બનાવવા તથા ખરીદ-વેંચાણ સાથે જોડાયેલા છે. પરંતુ સોનાના ભાવ આસમાને પહોંચતા સોનાના તમામ પ્રકારના કામધંધા મહદઅંશે ઠપ્પ થતાં કારીગરો અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

વેપારીઓના મતે સોનાના ભાવ વધારાના કારણ

  • અમેરિકાએ વ્યાજદર યથાવત રાખતા
  • ડોલર સામે રૂપિયો નબળો પડતા
  • લોકસભા ચૂંટણી આચારસંહિતા
  • રશિયા-યુક્રેન યુધ્ધની અસર
  • આચારસંહિતાથી આંગડિયામાં વ્યવહાર બંધ

ગ્રાહકો ભાવ પૂછીને દુકાનેથી ચાલ્યા જાય છે

છેલ્લાં 15 દિવસથી સોનાના ભાવમાં વધારાથી નવી ખરીદી સદતંર બંધ થઇ ગઇ છે. દુકાને આવતા ગ્રાહકો સોનાના ભાવ પૂછી ચાલતી પકડે છે. સોનાના એક મીલીગ્રામ વજનના ભાવમાં રૂ.300 થી 400નો વધારો થતાં એક ગ્રામે રૂ. 5000 વધી જતાં મજૂરી સહીત દાગીના ખૂબજ મોંઘા થતાં ખરીદી ઠપ્પ થતા ભારે મુશ્કેલી પડી રહી છે. > રાજુભાઇ સોની, વેપારી, જામનગર