જામનગર મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2024-25ના બજેટમાં સૂચવેલા પાણી પુરવઠાના રૂ. 44.73 કરોડના કામ અધ્ધરતાલ છે. બજેટમાં કામના આયોજનના 4 મહિના પછી પણ ગ્રાન્ટના અભાવે કામમાં વિલંબથી અનેક વિસ્તારોમાં પાણીના ધાંધિયા યથાવત છે.
ચાલુ વર્ષના બજેટમાં સૂચવેલા મુખ્ય પાઇપલાઇન, ડેમની ઇન્ટેક વેલ, સમ્પ તથા પંપ હાઉસના કામની ગ્રાન્ટ કયારે આવશે અને કામગીરી પૂર્ણ થશે તે સળગતો સવાલ બન્યો છે તો જલ સે નલ યોજનાની સફળતા સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.
જામ્યુકો દ્રારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠાના કામ માટે વિશેષ આયોજનનો દાવો કરાયો છે.
જેમાં ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટથી ફોરેસ્ટ ઓફીસ સુધી તેમજ ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટથી ઠેબા ચોકડી સુધી 700 એમ.એમ.ડાયા ડી.આઇ. મુખ્ય પાઇપ લાઇન રૂ.29.82 કરોડના ખર્ચે કરવાનું આયોજન કરાયું છે.

