છોટાઉદેપુર વિસ્તારમાં નમી પડેલા લાઇટના થાંભલા અને લટકતા વાયરોને ખેંચીને સીધા કરવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને પત્ર લખી માંગ કરી છે. છોટાઉદેપુર વિસ્તારના છોટાઉદેપુર, પાવીજેતપુર અને બોડેલી ત્રણ તાલુકાના ગામોમાં નમી પડેલા વીજળીના થાંભલા અને વાયરો ચોમાસા દરમિયાન કોઈ ખેડૂતોનો ભોગ ન લે તે માટે તારીખ 24 એપ્રિલ 24ના રોજ ધારાસભ્યે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કાર્યપાલક ઇજનેર બોડેલીને પત્ર લખી માંગ કરી હતી.
વીજ કંપનીને લખેલ પત્રમાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર પાવીજેતપુર અને બોડેલી તાલુકાના જુદા જુદા ડિવિઝન હેઠળના ગામોમાં ઘર વપરાશના તથા ખેતીવાડીની લાઈનોના અને ફીડર લાઇનના થાંભલા કેટલા ગામોમાં નમી પડેલા છે તેમજ લાઇટના થાંભલા ઉપરના વાયરો પણ ઝૂલીને નીચે આવી ગયા છે. જે કોઇ ખેડૂતનો ભોગ ના લે તે પહેલા તેને સરખા કરવા જરૂરી છે. જેમાં છોટાઉદેપુર વિસ્તારના ત્રણ તાલુકા જેમાં છોટાઉદેપુરના ગુનાટા, જડિયાણા કોલ, કોલી, પાડલીયા, વાગલવાડા, ચીલીયાવાટ, બૈડવી, ચઠ્ઠાવાળા, અંબાલા, પાડલીયા, માલ, ઢોરકુવા વગેરે ગામો તથા પાવી જેતપુર વિસ્તારના વસનગઢ, ભાનપુર, લીમડી વગેરે ગામો તથા બોડેલી વિસ્તારના ડભેરાઈ ગોગડિયા સેગવાસીમળી અને વાઘવા જેવા ગામનો સમાવેશ થાય છે.
જે બાબતે ધ્યાને રાખીને એમજીવીસીએલ દ્વારા કામગીરી પણ હાથ ધરાઇ હતી. ધારાસભ્યના લેખિત પત્રના જવાબમાં વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકામાં 34 પાવીજેતપુર તાલુકામાં 12 અને બોડેલી તાલુકામાં બે જગ્યાએ થાંભલા અને વાયરો સીધા કરવાની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના ત્રણ તાલુકાઓમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 70 જેટલા ગામોમાં કુલ 71 જગ્યાએ સર્વે કરાયો હતો. જેમાંથી 48 જગ્યાએ કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે અને 23 જેટલી જગ્યાઓ ઉપર હજુ કામગીરી કરવાની છે.

