Gujarat

વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાના બેનરોમાં ઝઘડિયાના ધારાસભ્યની ઉપેક્ષા

સ્થાનિક આગેવાનો દ્વારા પોસ્ટર માં ધારાસભ્ય રિતેશ વસાવાની રીતસરની બાદબાકી
ભરૂચ
ઝઘડિયા તાલુકામાં ભાજપા સંગઠનમાં ભારે ડખા ચાલી રહ્યા છે. આવી ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી. આજે આ ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. કારણ કે, વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાના બેનરોમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાને કાપવામાં આવ્યા હતા.
લોકસભાની ચૂંટણીમાં ભાજપે કોઈ વિધાનસભામાં સૌથી વધારે મહેનત કરી હોય તો તે ઝઘડિયા  વિધાનસભા છે. છતાં ભાજપમાં રહેલા  ભયંકર જૂથવાદના કારણે ચૈતર વસાવાને અહીથી લાખ મત મળ્યા હતા.જૂથવાદ એટલી હદે વકર્યો છે કે હવે તે સ્પષ્ટ દેખાય રહ્યો છે. ઝઘડિયા વિધાનસભામાં ભાજપમાં આંતરિક ડખા હોવાની વાત વચ્ચે તેના પુરાવા પણ મળી રહ્યા છે.
ઝઘડિયા – વાલિયા ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શુભકામના આપતા બેનર – પોસ્ટરમાં બનાવવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય રિતેશ વસાવા પ્રત્યેનો અણગમો દેખાય રહ્યો હતો. બેનર – પોસ્ટરમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નો ફોટો મૂકવામાં આવ્યો છે. પણ કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાની રીતસરની બાદબાકી કારાઈ હતી. આગામી દિવસોમાં આ જૂથવાદ ઝઘડિયામાં ભાજપની નૈયા ડુબાડે તો નવાઈ નહી. કારણ કે, અંદર અંદરની લડાઈ હંમેશા નુકસાન કરે છે.
વિરલ ગોહિલ, ભરૂચ