અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના બીજા તબક્કાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટીથી ઉદ્ઘાટન કરશે. તેઓ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનેથી ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશન સુધી મુસાફરી કરશે.
મેટ્રોરેલના બીજા તબક્કામાં મોટેરાથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર મેટ્રો રેલ દોડાવવાનું આયોજન છે, પરંતુ હાલ ગાંધીનગરના સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધીના રૂટ પર બાંધકામ પૂર્ણ થયું ન હોવાથી માત્ર સેક્ટર-1 સુધી જ બીજો તબક્કો કાર્યરત થશે. મોટેરાથી સેક્ટર-1 સ્ટેશન સુધીના લગભગ 15 કિલોમીટરના અંતર પર મેટ્રો 16 સપ્ટેમ્બરથી દોડતી થઇ જશે.
સંપૂર્ણ બાંધકામ થાય ત્યાં સુધી મેટ્રો જીએનએલયુ, રાંદેસણ, રાયસણ, ઇન્ફોસિટી, પીડીપીયુ મેટ્રો સ્ટેશન પર રોકાશે. મોદી 16 સપ્ટેમ્બ અને 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં રોકાવાના છે. આ દરમિયાન રાજભવન પર તેઓ પોતાના સાર્વજનિક કાર્યક્રમો પૂર્ણ થયે સંધ્યાકાળ બાદ રાજકીય બેઠકો કરી શકે છે. ગુજરાત સરકારના મંત્રીઓ તથા ભાજપના આગેવાનો તેમજ સરકારી ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની મહત્ત્વના વિષયો પર ચર્ચા થઇ શકે છે.

