Gujarat

તમિલનાડુના કલ્લાકુરિચીમાં લઠ્ઠાકાંડ, ૨૭થી વધુ લોકોના મોત, ૪૫થી વધુ સારવાર હેઠળ

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યાની ગંભીર ઘટના બનવા પામી છે, જેમાં ૨૭ લોકોના મોત થયા છે અને ૪૫થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંત જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા.

આ ઘટના બાદ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ વેચનાર કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે ૨૦૦ લિટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેન’ છે.

તમિલનાડુના ગવર્નર આરએન રવિએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તમિલનાડુ રાજ ભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘મને એ જાણીને ખૂબ દુખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે.

શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. તે પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, અવાર નવાર રાજ્યના વિવિધ ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુના અહેવાલો સામે આવે છે. તેઓ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વપરાશને રોકવામાં સતત ખામીઓને પ્રતિબિંબિત કરે છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.

ડીએમકે ના વડા અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂ પીનારા લોકોના મૃત્યુના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે.

આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી ડામવામાં આવશે.