જામનગની મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સરુસેક્સન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ઇલેક્ટ્રીક પેનલમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જોકે, શાળાના સ્ટાફની સમયસૂચકતાથી તમામ 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જયારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે જામનગરની મોદી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. જોકે, આગ લાગતાની સાથે સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી અને તુરંત 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ સાથે સ્ટાફે ફાયર ફાઇટરની ટીમને પણ જાણ કરતા તેઓની ટીમો પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
ફાયર બ્રિગેડના ઓપરેટરે જણાવ્યું હતું કે, આગની જાણ કંટ્રોલ રૂમમાં થતાં જ ફાયરના જવાનો તુરંત મોદી સ્કૂલે પહોંચ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદરથી નીકળીને સહી સલામત સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ અમે મોદી સ્કુલે પહોંચી ગયા હતા અને સૌ પ્રથમ આગને કાબુમાં મેળવી હતી. જ્યારે આગ મીટર બોર્ડમાં લાગેલી હતી તેને અમે સંપૂર્ણપણે બુજાવી નાખી છે.


