ગાંધીધામ-આદિપુર સંકુલની જૂની અને જાણીતી સમસ્યાઓ પૈકી સૌથી મોટી અને માથાના દુ:ખાવા સમાન સમસ્યા રસ્તાઓ ઉપર પડેલા મસમોટા ખાડાઓ છે. ચોમાસામાં શહેરના મોટાભાગના રસ્તાઓ ખરાબ રીતે ધોવાઇ ગયા છે.
વચ્ચે થોડા દિવસ વરસાદે વિરામ લેતાં પાલિકા દ્વારા જ્યાં કેટલીક જગ્યાએ માટી મિશ્રિત પથ્થર નાખી દેતાં તાજેતરમાં પડેલા વરસાદમાં તે પણ ધોવાઇ ગયા છે. જેથી નવરાત્રિ ઉપર રાત્રે રમવા નિકળો તો ખાડાઓમાં સંભાળીને ચાલતો નહીંતર ઉત્સાહ, માતંમમાં છવાઇ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
રસ્તાઓની દયનીય હાલત જોતાં એવું માની લેવું ભૂલ ભરેલું નથી કે, નવરાત્રી ઉપર લોકોની હરવા-ફરવાની સ્વતંત્રતા ઉપર ગાંધીધામ પાલિકાએ ખરાબ રોડરૂપી હથોડો ફટકાર્યો છે.
ગાંધીધામ સંકુલના લોકો ટેક્ષ ભરી, નગરસેવકોને જીતાડી નગરપાલિકા પાસે શું અપેક્ષા રાખે છે? પાણી, ડ્રેનેજ, સફાઇ અને સારા રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધા નિયમિત મળી રહે. પરંતુ પાલિકા આ ચારેય મુખ્ય સુવિધાઓ આપવામાં ઉંણી ઉતરી છે.
છેલ્લા પચ્ચીસેક વર્ષથી ગાંધીધામ પાલિકા ઉપર ભાજપનું શાસન છે, છતાં સમસ્યા દિવસેને દિવસે ઘટવાના બદલે સતત વધી રહી છે, જે ચિંતાજનક છે.

