મોબાઈલથી કનેક્ટ કરીને ઈવીએમ ઓપન કરી નાખ્યું
દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ફરી એક વાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સાથે છેડછાડ કર્યાનો મુદ્દો ઉઠ્યો છે. મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાનડિલકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે રવિન્દ્ર વાયકરના સાળાએ લોકસભા ચૂંટણીની મત ગણતરીના દિવસે ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રની અંદર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કર્યો હતો અને મોબાઈલથી ઈવીએમને કનેક્ટ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચના અધિકારી ગૌરવ પાસે એક મોબાઈલ ફોન હતો, જેના દ્વારા મત ગણતરી દરમિયાન ઓટીપી જનરેટ થાય છે. આ ફોનનો ઉપયોગ સાંસદના સંબંધી પાંડિલકર કરતો હતો. પોલીસને શંકા છે કે સવારથી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર બાબતે મુંબઈ પોલીસને નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડી રહેલા ઘણા ઉમેદવારો અને ચૂંટણી પંચ પાસેથી ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. રવિન્દ્ર વાયકર પુનઃ ગણતરી બાદ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી માત્ર ૪૮ મતથી ચૂંટણી જીત્યા હતા. આ અંગે ઘણો વિવાદ થયો હતો. ચૂંટણી પંચ પાસે તમામ સીસીટીવી ફૂટેજ છે, જે હવે મુંબઈ પોલીસને આપવામાં આવ્યા છે, જે આ મામલે તપાસ કરી રહી છે.
આ કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમો બનાવી છે. આજથી પોલીસ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરશે, જે તપાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ ફોનનો સીડીઆર લઈને મોબાઈલ નંબરની તમામ માહિતી એકઠી કરી રહી છે. ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ જાણવા માંગે છે કે કોને કોલ કરવામાં આવ્યો હતો અને કેટલા ઓટીપી મળ્યા હતા.
પોલીસ એ પણ જાણવા માંગે છે કે તે ફોન પર કોલ આવ્યો હતો કે નહીં. નિયમો અનુસાર ઓટીપી જનરેટ થયા બાદ ફોન આરઓ (ર્રિટનિંગ ઓફિસર)ને આપવાનો હોય છે. હવે ફોન કેમ પાછો ન લેવાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે અને હવે મોબાઈલના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
જો કે, આ મામલે તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને જવાબ માંગ્યા છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. કોંગ્રેસે ટિ્વટર પર લખ્યું, ‘ ઈવીએમ સાથે જોડાયેલી એક ગંભીર બાબત સામે આવી છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો.
એનડીએના આ ઉમેદવાર માત્ર ૪૮ વોટથી જીત્યા છે, આવી સ્થિતિમાં સવાલ એ છે કે એનડીએ ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કેમ જોડાયો? જ્યાં મત ગણતરી થઈ રહી હતી ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? એવા ઘણા પ્રશ્નો છે જે શંકા પેદા કરે છે. ચૂંટણી પંચે ખુલાસો કરવો જોઈએ.
આ ઘટનાને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ ભારતીય ચૂંટણી પંચ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ એક્સ (ટિ્વટર)ના માલિક એલન મસક દ્વારા એક પોસ્ટ કરીને આ મામલને લઈ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણએ અમેરિકાની ચૂંટણીને લઈ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ઈવીએમ મશિન દ્વારા ચૂંટણી ના થવી જોઈએ.

