તરસાલી જીઈબી રોડ પર બપોરે પૂરઝડપે જતા પાલિકાના કચરાના ડમ્પરે બાઈક સવાર 2 યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ પૂર્વ મેયર અને કોંગ્રેસના કાર્યકરો સહિત સ્થાનિકોએ તરસાલી આઈટીઆઈ રોડ પરથી 5થી વધુ ડમ્પરો રોકી હોબાળો મચાવ્યો હતો. નિલેષ રાઠોડે ઘટના સંદર્ભે રોષ વ્યક્ત કરી ડમ્પરોનો રૂટ ન હોવા છતાં આ રોડ પરથી બેરોકટોક પસાર થાય છે.
અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવા છતાં કાર્યવાહી ન થતાં રોડ પર ઉતરવું પડ્યું હતું. તરસાલી જીઈબી મેદાન પાસે બપોરે પાલિકાના કચરાના ડમ્પરે બે બાઈક સવાર યુવકને ટક્કર મારી હતી. જેને પગલે પૂર્વ મેયર નિલેષ રાઠોડ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિકો દોડી આવ્યા હતા. નિલેષ રાઠોડે કહ્યું કે, રોડ પરથી પાલિકાનાં અનેક ડમ્પરો પસાર થતાં હોવાથી આ બાબતે સરવે કરાયો હતો.
જેમાં જાણવા મળ્યું કે, આ રોડ પરથી આખા દિવસમાં પાલિકાનાં 77 ડમ્પરો પસાર થાય છે અટલે અદાંજે દર 5થી 7 મિનિટમાં 1 ડમ્પર પસાર થાય છે. ડમ્પરોમાંથી નીકળતા ગંદા પાણીને કારણે રસ્તો બગડી ગયો છે અને ચીકણો થઈ ગયો છે. આ રોડ પર રોજ સવારે અને સાંજે સ્થાનિકો ચાલવા નીકળે છે ત્યારે રસ્તો ચીકણો થઈ ગયો હોવાને કારણે લોકો પડે પણ છે. આ બાબતે અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. જોકે રજૂઆત ન સાંભળતાં રોડ પર ઊતરવું પડ્યું હતું.

