Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

નારી વંદન સપ્તાહની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધક્ષસ્થાને બેઠક યોજાઈ
મિશન શક્તિ યોજનાની વિગતવાર સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર
 રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગામી તા.૦૧/૦૮/૨૦૨૪ થી તા.૦૮/૦૮/૨૦૨૪ દરમિયાન “નારી વંદન” સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં મિશન શક્તિ યોજનાની હાલની સ્થિતિ અને આગામી આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ “નારી વંદન” સપ્તાહની ઉજવણીમાં જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ અને કિશોરીઓ સહભાગી બને તે જોવા જણાવ્યું હતું.
આ તકે નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણીએ “નારી વંદન” સપ્તાહના આયોજનની વિગતવાર ચર્ચા કરીને આ ઉજવણી દરમિયાન વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ પ્રેઝન્ટેશન દ્વારા નારી વંદન” સપ્તાહની ઉજવણીની રૂપરેખા અને મિશન શક્તિ યોજનાની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.