Gujarat

NDRFની ટીમ દ્વારકા પહોંચી; ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિની સંભાવના છે. જેને જોતાં ઓખામંડળમાં આવેલા પ્રમુખ બંદરો પર રહેલી માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચના આપી હતી.

જે બાદ ઓખાના ડાલડા બંદર તેમજ દ્વારકાના રૂપેણ બંદર સહિતના માછીમારી વિસ્તારોના ફીશરમેનોએ તેમની ફીશીંગ બોટને કિનારે સલામત સ્થળે ખસેડી લીધી છે.

હાલમાં જૂન-જુલાઈ માસ દરમ્યાન બે મહિના માટે કોઈપણ પ્રકારની દરિયાઈ ફીશીંગ પ્રવૃત્તિઓ બંધ છે. ત્યારે તમામ બોટો કિનારે લાંગરેલી સ્થિતિમાં છે. ભારે વરસાદ અને વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ જોતાં ઓખામંડળના માછીમારોને કિનારે આવેલી તેમની ફીશીંગ બોટોને પણ સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચન આપી હતી.

જે બાદ તમામ માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. આ સાથે દ્વારકામાં કાંઠાળા વિસ્તારમાં સલામતી હેતુ NDRFની ટીમનું પણ આગમન થઈ ગયું છે. જે આગામી સંભવિત પરિસ્થિતિઓમાં રાઉન્ડ ધ ક્લોક ચુસ્તતાપૂર્વક ફરજ નિભાવશે.