ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યને સમર્પિત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, આવાસીય યોજનાઓ સહિતના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા. સતત ત્રીજી ટર્મ માટે દેશમાં ચૂંટાઇ આવેલી મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે સોમવારે 100 દિવસ પૂર્ણ કર્યાં છે. આ 100 દિવસ દરમિયાન મોદી સરકારે દેશમાં કુલ 15 લાખ કરોડ રૂપિયાના કામો કર્યાં છે.
સવારે તેમણે ગાંધીનગર પાસેના વાવોલના રહેણાક વિસ્તારની મુલાકાત લઇ પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીના ઘરની મુલાકાત કરી હતી. તે પછી વડાપ્રધાને મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટનું ઉદઘાટન કર્યું હતું. બપોરના સમયે તેમણે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલને લીલી ઝંડી દર્શાવી તેમાં પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન મોદીએ યુવાનો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
આ પછી તેઓએ ભાજપ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાયેલા સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહ તેમના નેતૃત્વમાં દેશમાં ત્રીજીવાર સરકાર બની તે બદલ અભિવાદન કરવા યોજાયો હતો. અહીં તેમણે વિપક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, અમે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ મહત્વના નિર્ણય લીધા છે.
દિવસ-રાત જોયા વિના કામ કર્યું છે. દેશ-વિદેશમાં જે પ્રયાસ કરવાના હતા તે કર્યા છે. કોઈ પણ કસર છોડવામાં નથી આવી. છેલ્લા 100 દિવસમાં કેવી કેવી વાતો થઈ રહી છે. કેટલાક લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા છે. અલગ-અલગ તર્ક-વિતર્ક દેખાડવા લાગ્યા છે. પણ જેઓને મારી મજાક કરવી હોય તે કરી લે, હું દેશ કલ્યાણના માર્ગે ચાલી નીકળ્યો છું અને અહીંથી પાછો હટવાનો નથી.

