લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે 3 જ દિવસ બાકી રહ્યા છે. પ્રચારના પડઘમ શાંત થવા પર છે પણ ગરમી વધવાની હોવાથી તંત્ર, લોકો અને નેતાઓ બધા જ ચિંતામાં છે. કારણ કે મતદાનના દિવસે જ તીવ્ર હીટવેવની શક્યતા છે અને રાજકોટમાં તો પારો 43 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી જશે.
રાજકોટ શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું હતું. માત્ર 24 જ કલાકમાં મહત્તમ તાપમાન 40થી 42 થઈ જતા લોકોએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે હીટવેવની સ્થિતિ સર્જાઈ રહી છે.
7 તારીખે એટલે કે મતદાનના દિવસે રાજકોટમાં પારો 43 ડિગ્રી સેલ્શિયસ સુધી જઈ શકે છે. બપોરે 12:30 વાગ્યા સુધીમાં પારો 40ની આસપાસ પહોંચશે અને ત્યારબાદ એકદમથી ગરમી વધવા લાગશે. બપોરે 2થી સાંજના 5 વાગ્યા સુધી આકરો તાપ અને ગરમી અનુભવાશે.
સવારથી સાંજ સુધી પવન ઉત્તર પશ્ચિમી હશે ત્યારબાદ ક્રમશ: પવનની દિશા પશ્ચિમી એટલે કે દરિયાઈ પવનો શરૂ થતા તાપમાનમાં ઘટાડો આવવાનું શરૂ થશે. બીજી તરફ રાજકોટ કરતા સૌથી વધુ હીટવેવની અસર અમરેલી અને સુરેન્દ્રનગરમાં થશે અને ત્યાં તાપમાન 44 ડિગ્રી સેલ્શિયસ કરતા પણ વધી જવાની શક્યતા છે.
આ કારણે લોકોએ મતદાન કરવા માટે 12 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું સૂચન હવામાન વિભાગે કર્યું છે. હીટવેવની સ્થિતિને લઈને ચૂંટણીતંત્ર, રાજકીય નેતાઓ, આરોગ્યતંત્ર બધાને સૌથી વધુ ચિંતા થઈ રહી છે.
તડકાને કારણે મતદાન ઘટ્યું તો તેને ગંભીર બાબત ગણવામાં આવશે અને મતદાન વધારવા માટે જો વધારે કતારો થઈ અને ભરબપોરે પણ કતારો રહી તો આવા સમયે હીટસ્ટ્રોકના બનાવો વધશે અને તેમાં પણ તંત્રને જ વ્યવસ્થા કરવામાં પરસેવો વળી જશે.
આ કારણે હાલ બધાનો પ્રયાસ એ છે કે વહેલી સવારે જ વધુમાં વધુ મતદારોને મતદાન કરાવવામાં આવે જેથી બપોરે નહીંવત લોકો જ આવે અને જે બાકી રહ્યા છે તેને 5 વાગ્યા બાદ એકસાથે કતારમાં લગાવીને 6 સુધીમાં મતદાન મથકના ગેટની અંદર પહોંચી જાય તેવો પ્રયાસ કરવામાં આવશે.
200 મતદાન મથકમાં એરકુલર મુકાશે, 1036માં મંડપ બંધાશે
હીટવેવની આગાહીના પગલે જિલ્લા ચૂંટણીતંત્ર સતર્ક બન્યું છે અને મતદાનના દિવસે મતદારોને મુશ્કેલી ન પડે તે માટેના પગલાં લેવા આયોજન હાથ ધર્યું છે.
જેના ભાગરૂપે 200 મતદાન મથકોમાં એરકુલર મુકાશે અને 1036 જેટલા મતદાન મથકો કે જેમાં છાંયડાની સુવિધા નથી ત્યાં મંડપો બાંધી છાંયડાની વ્યવસ્થા કરાશે. તેમજ મતદાન મથકો ઉપર ઓઆરએસ, પીવાના ઠંડા પાણી, મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા પણ ખડેપગે રખાશે.

