Gujarat

શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે જૂનાગઢમાં કુંવારિકાઓ વ્રત રાખી ગુણવાન પતિ અને પરિવારમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી

ભારતીય સંસ્કૃતિમાં જપ ,તપ અને વ્રતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં પણ ખાસ કરી સંસ્કૃતિ અને સનાતન ધર્મને ઉજાગર કરવા વર્ષોથી વ્રત અને ઉપવાસનો ખૂબ જ મોટો મહિમા છે. ત્યારે આજે શ્રાવણ વદ ત્રીજના દિવસે કુંવારીકાઓ ફુલકાજળીનું વ્રત રાખે છે. કુવારીકાઓ સારો પતિ મળે તેમ જ પરિવારમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય સારું રહે તે માટે આ વ્રત કરે છે.

ફુલકાજળી વ્રતમાં બાળાઓ સવારે વહેલા ઉઠી શિવ પાર્વતીની પૂજા અર્ચના કરે છે. અને ગુણવાન પતિની પ્રાપ્તિ થાય તેવી મનોકામના માને છે. ફુલકાજળીના દિવસે કુંવારિકાઓ ઉપવાસ કરે છે અને ફરાળ કર્યા પહેલા કોઈપણ ફૂલને સૂંઘી બાદમાં જ ફરાળ આરોગે છે. વર્ષોથી ચાલી આવતી આ વ્રત પરંપરાને જીવંત બાળાઓ દ્વારા હર્ષુ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.

ફુલકાજળી નું વ્રત કરનાર ધર્મિષ્ઠાબેન વાળાએ જણાવ્યું હતું કે, આ વ્રત નાની બાળાઓ દ્વારા કરવામાં આવે છે અને રાત્રે આખી રાત જાગી જાગરણ કરવામાં આવે છે. ફુલકાજળીનું વ્રત રાખનાર બાળકો સવારે મહાદેવની પૂજા અર્ચના કરે છે. અખંડ સૌભાગ્યવતી રહેવા માટે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે ફુલકાજળીનું વ્રત રાખી બાળાઓ મહાદેવની પૂજા અર્ચના કરે છે.

આ વ્રત એક દિવસનો હોય છે અને આ વ્રતમાં બાળાઓ દ્વારા રાત આખી જાગી જાગરણ કરવામાં આવે છે. વ્રત ના પુરા દિવસ થાય ત્યારે ફરાળ કરવાનો હોય ત્યારે કોઈપણ ફૂલ સુંધ્યા બાદ જ ફરાળ આરોગવામાં આવે છે અને વ્રત પૂર્ણ કર્યા બાદ સવારે ઉપવાસ છોડવામાં આવે છે.

જૂનાગઢના શ્રદ્ધાબેન બુંદેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ફૂલકાજલીનું વ્રત નાની બાળાઓ દ્વારા રાખવામાં આવે છે. ફુલકાજળી ના વ્રત દરમિયાન બાળાઓ ફૂલને સુંધ્યા બાદ જ ફરાળ કરે છે. બાળાઓ દ્વારા ગુણવાન અને સંસ્કારી પતિ મળે અને પરિવાર સુખ શાંતિથી રહે તે માટે આ વ્રત રાખવામાં આવે છે. રાતે જાગરણ કર્યા બાદ સવારે બાળાઓ દ્વારા ઉપવાસ છોડવામાં આવે છે.