યાત્રાધામ દ્વારકામાં વૈશાખી અમાવસ્યાના પાવન અવસરે ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા હતા.ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી કાળિયા ઠાકોરજીના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.સવારે શૃંગાર આરતીમાં ઠાકોરજીને ગુરૂવારના કેસરી વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર કરાયા હતા જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો.
શનિદેવની જયંતિ તથા વૈશાખી અમાસના પાવન અવસરે પાવનકારી ગોમતી નદીમાં હજારો ભાવિકોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન સાથે પુણ્યનુ ભાથું બાંધ્યું હતું.
હરિદ્વારમાં ગંગા સ્નાનનું જે રીતે મહત્ત્વ છે તેટલું જ દ્વારકા યાત્રાધામમા પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ છપ્પન સીડી – સ્વર્ગ દ્વારેથી ઠાકોરજીના દર્શન કરવાનું મહાત્મ્ય હોય વહેલી સવારથી જ ગોમતી ઘાટો પર ભાવિકોની ભીડ જોવા મળી હતી. હાલમાં ચાલતી ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શન યોજવામાં આવી રહયા છે. સાંજે ઠાકોરજીને ઠંડક આપતાં તેમજ જંગલમાં રહેલા પ્રાકૃતિક વાતાવરણ અને ઝરણાની મહેક સાથે મનમોહક કુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજાયા હતા.