Gujarat

સ્વાસ્થ્ય માટે કેવો, કેટલો, ક્યારે અને ક્યો ખોરાક લેવો તે અંગે તબીબોએ માર્ગદર્શન આપ્યું

જીવનનો આધાર ખોરાક છે, જો ભોજન દૂષિત કે અસુરક્ષિત હોય તો જીવન અને સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરે છે, એટલેજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 7મી જૂનના રોજ લોકોમાં સુરક્ષિત અને સલામત ભોજન લેવા જાગૃતિ આવે એ માટે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ ઉજવવામાં આવે છે.

જીકે જનરલ અદાણી હોસ્પિટલના આહાર વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ લોકોમાં આહાર અંગે ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે અને જી.કે.માં સ્વાસ્થ્ય માટે કેવો, કેટલો, ક્યારે ક્યો ખોરાક લેવો એ માટે માર્ગદર્શન લેવા પ્રતિ માસે સરેરાશ 85 થી 90 વ્યક્તિઓ આવતા થયા છે. તેમ છતાં આ ક્ષેત્રે હજુ વધુ જાગૃતિની જરૂર છે એમ ડાયેટિશ્યન અનીલાબેન પરમારે જણાવ્યું હતું.

આહાર શાસ્ત્રીઓના મતે અસુરક્ષિત ખાણીપીણી એટલે રસોઈ બનાવવામાં સેવાતી અસાવધાની સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે છે. આ ઉપરાંત કાચો પાકો રાંધેલો ખોરાક ફૂડ પોઇઝનિંગ કરી શકે છે.

ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાથી બીમાર થઈ શકાય છે અને લાંબા સમયથી રાખેલા પેકેટ જ્યુસ અને દૂધ પણ નુકસાનકારક હોય છે. એ જ પ્રકારે લારીમાં વહેંચાતા સ્ટ્રીટ ફૂડ સેહત માટે સૌથી વધુ નુકસાનકારક હોય છે, એમ પૃથ્વીબેન લખલાનીએ કહ્યું હતું.

દુનિયામાં આવા અસુરક્ષિત ભોજનને કારણે રોજ 16 લાખ લોકો બીમાર પડે છે. બાળકોને તો આવા ખોરાકની ત્વરિત અસર થાય છે. ખરાબ ભોજન જીવનના સ્વાસ્થ્ય ઉપર દૂષપ્રભાવ પાડે છે. તબીબોના જણાવ્યા મુજબ દૂષિત ભોજનથી ફૂડ ઇન્ફેક્શન, ફૂડ પોઇઝનિંગ, ટાઈફોઈડ,કોલેરા, સંબંધી રોગ થઈ શકે છે.

ખાદ્ય સુરક્ષા અંગે આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ અર્ધો રાંધેલો ખોરાક ખાવાથી દૂર રહેવું, સાફ-સફાઈ રાખવી, ખાવા પહેલાં અને પછી હાથ ધોવા, ભોજન રાંધ્યા પછી અને જમ્યા પછી વાસણ યોગ્ય રીતે સાફ કરવા, માંસ, સી ફૂડ અને ઈંડાનું સેવન કરતાં પહેલાં સાવધાની રાખવી, ખાવાનું ખુલ્લામાં રાખવું નહિ.

સ્વચ્છ પાણી પીવું, પેકેટ ફૂડનો ઉપયોગ ક્યારેય નહીં કરવો. આ ઉપરાંત તળેલો, ફાસ્ટ ફૂડ, અને ડાયાબિટીસ માટે લેવાતી કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરવાથી પહેલાં તબીબોનો અભિપ્રાય અવશ્ય લેવો.જો એટલી પૂરતી સંભાળ રખાય તો અનેક રોગથી બચી શકાય છે.