Gujarat

બોરીવલીની સંસ્થા દ્વારા તુલસી વિવાહનું આયોજન

બોરીવલી પશ્ચિમ મુંબઈમાં નારી તુ નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા કારતક એકાદશી પર ભવ્ય શ્રી તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા પ્રમુખ નીલા બેન સોનીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 30 વર્ષથી આ તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે. ઘણી માતાઓ અને બહેનો આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત, તેમ જ શ્રી ધર્મરાજા વ્રત રાખે છે. તે વ્રત માત્ર કારતક સુદ એકાદશીના દિવસે જ ઊજવવામાં આવે છે.

અમારી સંસ્થા દ્વારા આવી વ્રતધારી બહેનો વિષ્ણુ સહસ્ત્રનામ, હવન પૂજા અને સાંજે તુલસી માતાના શાલીગ્રામ એટલે કે વિષ્ણુ વિવાહના આ કાર્યક્રમમાં ભાગ લે છે અને હિન્દુ ધર્મના આ અત્યંત આસ્થા પૂર્ણ વ્રતનું સમાપન કરે છે.

તુલસી વિવાહની ઉજવણી સાથે, અમે બોરીવલી પશ્ચિમમાં સોનીવાડી હોલમાં અન્નકૂટ મહોત્સવ પણ ઊજવીએ છીએ. ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડ્યા પછી, માતા યશોદાએ શ્રીકૃષ્ણને 56 ભોગ પ્રસાદ ધર્યો હતો. આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને આજે દરેક હિન્દુ અન્નકૂટનું આયોજન કરે છે. અમે પણ આ પરંપરા જાળવતાં આજે અન્નકૂટ મહોત્સવની પણ અહીં ઉજવણી કરવામાં આવી હતી, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ બહેનોનું મહત્ત્વપૂર્ણ યોગદાન આ કાર્યક્રમમાં સંસ્થાની બહેનો હંસાબેન થડેશ્વર, વીણાબેન ઝગડા, સોનલ સાગર, ગીતા સાગર, પ્રીતિ સુરુ, જાનવી ઝગડા, જ્યોત્સ્ના રાઠોડ, શીતલ રાઠોડ, ભાવના ચોકસી વગેરેએ તન, મન, ધન અને શ્રમદાન આપ્યું હતું. આ ભવ્ય તુલસી વિવાહ માટે રૂપાબેન ભરતભાઈ જગડાએ નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંસ્થાને રૂ. 51 હજારનું દાન આપ્યું હતું. અન્ય બહેનો મીનાબેન, અનુપમાબેન, શીતલબેન, ગીતા ઝવેરી, હર્ષાબેન, રીનાબેન સહિત સહુએ પોતપોતાનું યોગદાન આપ્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.