વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના છેવાડાના જાંબુઆમાં આવેલા આવાસના મકાનોમાં દુર્ઘટના થઇ શકે છે એવી ભીતિ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા કરવામાં આવી હતી.
આજે જાંબુઆમાં આવેલા વુડાના મકાનમાં છતનો ભાગ ધરાશાયી થવાના કારણે એક બાળકી ઇજાગ્રસ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. આ બાળકીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાના છેવાડે આવેલા જાંબુઆમાં આવાસના મકાનો આવેલા છે. આ મકાનોની જર્જરિત હાલત ઉજાગર કરવા માટે તે સમયના વિપક્ષી નેતા અમીબેન રાવત આવ્યા હતા અને અહિંયાની ખખડધજ્જ હાલત વિશે તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો.
ત્યાર બાદ પણ તંત્ર દ્વારા આ વાતને લઇને આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જેને લઇને આજે અહિંયા બીજી દુર્ઘટના ઘટવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અહિંયા મહિલા પર સ્લેબનો ભાગ પડ્યો હતો. જેમાં તેણી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું. આજે બ્લોક નં – 28 માં આવેલા એક મકાનનો સ્લેબ પડ્યો હતો. દરમિયાન નીચે રહેલ બાળકીના પગના ભાગે તેનો કાટમાળ પડતા તે ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી.