Gujarat

મેડિસીન વિભાગના મેડિકલ સર્ટિફિકેટ અને દારૂની પરમીટની કામગીરીમાં પટ્ટાવાળો ભૂમિકા ભજવતો હતો

જામનગર જી.જી. હોસ્પિટલમાં મેડિસીન વિભાગનો પટ્ટાવાળો રૂા. 25 હજારની લાંચ મૂકીને નાસી છૂટવાના ચકચારી પ્રકરણમાં હવે હોસ્પિટલ જ શંકાના દાયરામાં આવી ગઇ છે. જે રીતે પટાવાળો વહિવટ ચલાવતો હતો તેમજ તેને ચેમ્બર આપવામાં આવી હતી, આ બધામાં મેડિસીન વિભાગના ડોકટરોની ભૂંડી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. હવે જો આની તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો બહાર આવે તેમ છે.

જામનગર જી.જી. હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અશોક પરમાર નામના શખ્સ સામે અમરેલીના શિક્ષકે રૂા. 25 હજાર મેડીકલ સર્ટીફિકેટ કઢાવવી આપવા બાબતે લાંચ માંગી હતી, જે અંગે અમરેલી એસીબીમાં ફરિયાદ થતાં તેઓએ ટ્રેપ ગોઠવી હતી, પરંતુ આની ગંધ આવી જતાં પંચની રૂબરૂમાં રૂપિયા મૂકી નોટો ધોઇ નાખી અશોક પરમાર નાસી છૂટયો હતો. આ ચકચારી પ્રકરણની તપાસ જામનગર એસીબીને સોંપવામાં આવી છે.

દરમિયાન અશોક પરમારને પકડવા માટે એસીબી દ્વારા ચારે બાજુ ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. પરંતુ તે હાથે લાગ્યો નથી. દરમિયાન હોસ્પિટલ વતુળોમાંથી જાણવા મળ્યું છેકે, મેડીસીન વિભાગનો મોટાભાગનો વહીવટ અશોક પરમાર વર્ષોથી ચલાવી રહ્યો છે. જેમાં મેડિકલ સર્ટીફીકેટ તેમજ દારૂ માટેની પરમીટ મુખ્ય છે.

એક પટાવાળો આ રીતે વહીવટ કેવી રીતે ચલાવી શકે તે મેડીસીન વિભાગમાં શંકા ઉભી કરે છે. આનું કારણ એ હોય શકે કે, મેડિસીન વિભાગના ડોકટર જ અશોક પરમાર સાથે સંકળાયેલા હોય, કારણ કે, પટ્ટાવાળાને અલાયદા ચેમ્બર આપવામાં આવી હતી અને તે ધારતો તે કામ કરતો, જે ડોકટર ટેકા વગર શકય જ નથી.

હવે જયારે લાંચ કાંડ બહાર આવ્યું છે ત્યારે મેડીસીન વિભાગમાં ચાલતી ગોબાચારી અંગે ઊંડી તપાસ થાય તો અનેક કૌભાંડો બહાર આવે તેમ છે.

પટ્ટાવાળાને પકડવા પોલીસની ચાર ટીમો કામે લાગી

લાંચ મૂકીને નાસી છૂટેલા પટાવાળા અશોક પરમારને પકડવા માટે એસીબી દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે અને તે જિલ્લો અને જિલ્લા બહાર તેની શોધખોળ કરી રહી છે. અશોક પરમારે છેલ્લે તેના ઘરે વાત કરી મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધાે છે. પોલીસના હાથમાં આવ્યા બાદ વધુ વટાણા વેરી નાખશે તે નકકી છે.

મેડિકલ સર્ટીફિકેટ અશોક પરમાર રોકી રાખતો

એસીબીને તપાસમાં જાણવા મળ્યું છેકે, મેડિકલ સર્ટીફિકેટ અશોક પરમાર રોકી રાખતો, જેના કારણે આ વ્યકિત તેનો સંપર્ક કરતો, હવે મેડિકલ સર્ટીફીકેટ કેવી રીતે રોકાઇ જતું તે તપાસનો વિષય છે, કારણ કે, ડોકટર ના સિવાય આ સર્ટીફિકેટ કોઇ રોકી ન શકે, એટલે અશોક પરમાર અને ડોકટરની સાંઠગાઠ નિશ્ચિત બની છે.