સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ સહિતના લોકોએ હોદ્દા સહિત કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના બે મોટા નેતાઓ મુસ્લિમ સમાજને નજર અંદાજ કરી પરેશાન કરતા હોવાના આક્ષેપો સાથે માઈનોરિટી સેલના પ્રમુખ સહિતના લોકોએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દેતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
એક તરફ સ્થાનિક સ્વરાજ્ય તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડમાં છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલે પહોંચી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે.
સામાન્ય રીતે માઈનોરિટી વોટબેંકને કોંગ્રેસ પોતાની સિક્યોર વોટબેંક ગણતું હોય છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા જિલ્લા માઈનોરિટી સેલના પ્રમુખ સાજીદ મકરાણી સહિત માઈનોરિટી સેલના અનેક લોકોએ માઈનોરિટી સેલના હોદ્દા સહિત કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે.

માઈનોરિટી સેલના પ્રમુખ સાજીદ મકરાણીએ રાજીનામું આપતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઝાકીર ચૌહાણ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે આ બંને નેતાઓ મુસ્લિમ સમાજને કંઈક ગણતા નથી.
જેવા અનેક આક્ષેપો સાથે માઈનોરિટી સેલના પ્રમુખ સાજીદ મકરાણી, મહિલા પ્રમુખ મરિહમ મિર્ઝા સહિતના લોકોએ પોતાના પદ અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દેતા હડકંપ મચ્યો છે. જે માઈનોરિટી સમાજને કોંગ્રેસ પોતાની વોટબેંક ગણતું હતું. તે માઈનોરિટી સેલ જ બનાસકાંઠામાં અત્યારે તો કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે.

