Gujarat

પરિક્રમામાં આવતા યાત્રીળુઓે સમયાંતરે આરામ કરવા અપિલ કરાઈ, આરોગ્યની વિશેષ કાળજી રાખવી

જુનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમા ગઈકાલથી વિધિવત રીતે શરૂ થઈ છે. જોકે, યાત્રિકોના ઘસારાને લઇ એક દિવસ વહેલી જ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. હાલ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પરિક્રમા તરફ પ્રયાણ કરી ચૂક્યા છે તો ઘણા યાત્રાળુએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે. પરિક્રમા કરતા પરિક્રમાથીઓને તંત્ર દ્વારા સ્વાસ્થ્યની કાળજી રાખી ઝડપભેર પરિક્રમા પુરી ન કરવા અપીલ કરવામાં આવી છે.

ગિરનાર લીલી પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી છે. ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગિરનાર લીલી પરિક્રમના રુટ પર તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાના પણ શરૂ કરવામાં આવ્યા છે. પરિક્રમાના છેલ્લા બે દિવસમાં ભવનાથ તેમજ પરિક્રમા ના અલગ અલગ રૂટ પર 9 યાત્રાળુઓના મૃત્યુ થયા છે. જેને લઇ પરિક્રમામાં આવતા વયોવૃદ્ધ યાત્રિકો અને બ્લડ પ્રેસર, ડાયાબિટીસના દર્દીઓએ આરોગ્યની વિશેષ કાળજી રાખી સમયાંતરે આરામ કરવા જોઈએ ત્યારે તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર શરૂ કરવામાં આવેલ દવાખાના ઉપર લોકો સમયાંતરે આરામ કરે તેવી લાઉડ સ્પીકર પર અપીલ કરવામાં આવી રહી છે.

આ સંદર્ભે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરનાર પરિક્રમાનો રૂટ 36 kmનો છે. તેમજ આ પરિક્રમાનો રુટ ખૂબ જ ચઢાણવાળો પણ છે. ત્યારે પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુએ આવા કપડા ચઢાણુંનું ખૂબ જ ધ્યાન રાખવું જરુરી હોય છે. પરિક્રમામાં આવતા જે ભાવિકોને પહેલેથી જ બ્લડપ્રેશર ડાયાબિટીસ હ્રદય રોગ ની તકલીફ હોય તો આવા લોકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે. આવા ભાવિકોએ પોતાની સાથે દવા રાખવી ખૂબ જરૂરી છે. ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલ હોય તો નાઇટ્રો ગ્લિસરીનની ગોળી જીભ નીચે રાખવી તેમજ એસ્પિરિનની ટેબલેટ સાથે રાખવી જરૂરી છે. પરિક્રમામાં કોઈપણ ભાવિકને ચાલતા ચાલતા અચાનક જ છાતીમાં દુખાવો કે બેચેની જેવો અનુભવ થાય તો તેમને ચાલવાનું બંધ કરી આરામ કરવો જોઈએ. પરિક્રમા રૂટ પર તંત્ર દ્વારા જે હંગામી દવાખાના શરૂ કરવામાં આવ્યા છે તેનો સંપર્ક કરવો જરૂરી છે. ત્યારે ભાવિકોએ એકસાથે 36 kmની પરિક્રમા ઝડપથી કરવાના બદલે સમયાંતરે આરામ કરી પરિક્રમા કરવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રિકોએ આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને વયોવૃદ્ધ યાત્રિકો ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ કે હૃદય રોગ માટે સર્જરી કરાવી છે તેવા ભાવિકોએ આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે નિયમિત દવા લેવી જરૂરી છે. ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલ હોય તો નાઇટ્રો ગ્લિસરીનની ગોળી જીભ નીચે રાખવી તેમજ એસ્પિરિનની ટેબલેટ સાથે રાખી શકાય.

તેમણે કહ્યું કે, પરિક્રમા દરમિયાન છાતીમાં દુખાવો, બેચેની લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા વગેરે લક્ષણ જણાય તો ત્વરિત ચાલવાનું બંધ કરી આરામ કરવો જોઈએ. સાથે જ તંત્ર દ્વારા જે હંગામી દવાખાના ભાગ કરવામાં આવ્યા છે તેનો સંપર્ક કરવો જોઈએ. ગિરનાર લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટમાં ચાલતી વખતે જરા પણ તકલીફ જણાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરી શકાય. યાત્રાળુઓએ પરિક્રમા દરમિયાન સમયાંતરે વિશ્રામ કરવો જોઈએ.આ લાંબારૂટ દરમિયાન પાણી પીતા રહેવું જોઈએ.તેમ ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટે અંતમાં ઉમેર્યું હતું.પીવાના પાણી માટે ORSના પેકેટ પણ સાથે રાખી શકાય. તેમણે ઉમેર્યું કે, યાત્રિકો ચાલતા ચાલતા બેભાન કે મૂર્છિત થઈ જાય તો CPR દ્વારા પણ યાત્રિકોનો જીવ બચાવી શકાય છે. ઉપરાંત વયોવૃદ્ધ યાત્રાળુઓ યુવાનો સાથે રાખે તે હિતાવહ છે, તેમજ યુવાનોએ પણ કોઈ ભાવિકોને તકલીફ જણાય તો, નજીકના દવાખાના ખાતે પહોંચાડવા જોઈએ.