પત્નીની બીમારી સબબ પરિવારજનો હોસ્પિટલમાં રોકાયા હતા, પાછળથી રેઢાં મકાનમાં બાકોરું પાડીતસ્કરોએ હાથફેરો કરી લીધો: બે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતા એક નવાણિયો
જેતપુરમાં પત્નીને બિમારી સબબ હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલા ડુંગળી બટેટાના વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના મળી ૭.૮૦ લાખની માલમતા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા.આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કર ગેંગનું પગેરૂ દબાવવા પ્રયાસો હાથ ધર્યા છે.જેમાં સફળતા મળતા 3 આરોપીને પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

બનાવની વિગતો મુજબ જેતપુરના ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપીંગ સેન્ટરમાં મનીષકુમાર દલસુખભાઈ નામની પેઢી ધરાવતાં ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ દલસુખભાઈ કેશરીયા (ઉ.૩૮) નામના લોહાણા વેપારીએ તા.૨૨,૭,૨૪ ના જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની ૧૮થી બિમાર હોય જેતપુરના કણકીયા પ્લોટમાં પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા હતાં.

ગત તા.૨૨ અને ૨૩નાં બપોરે પિતાજીના ઘરે જમીને પોતાના મકાને આંટો દેવા ગયા ત્યારે મકાનનો મેઈન દરવાજો તુટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તુટેલો અને દરવાજામાં બાખોરુ પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. વેપારીના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ધંધા વેપાર માટે રાખેલા ૩.૮૫ લાખની રોકડ, રૂા. ૩.૯૫ લાખની કિંમતના ૧૫.૮ તોલા સોનાના દાગીના મળી કુલ ૭.૮૦ લાખની માલમત્તા તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા

જેતપુર પોલીસ તેમજ એલસીબી ની ટીમ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સીસીટીવી તેમજ હ્યુમન સોર્સ ની મદદથી પોલીસને આરોપીઓને ગણતરીની કલાકોમાં જેતપુરના નકલંક આશ્રમ પરથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.જેમાં ઉમેશ ઉર્ફ ઉંદરડી રમણીકભાઈ વાળા રહે.જેતપુર તેમજ રવિ આંબાભાઈ કારતનીયા રહે.જેતપુર તેમજ જયેશ ઉર્ફે ટકો ભાયાભાઈ ગઢવી રહે. લીરબાઈ પરા, હુડકો જુનાગઢને રૂ.3,50 રોકડ તેમજ સોનાના સેટ બે તેમજ સોનાની વીંટી ત્રણ અને સોનાનો ચેન ચાર તોલા મળી કુલ મુદ્દામાલ રૂ. 6,57,500 સાથે પકડી પાડેલ જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન આ ચોરી મોજ શોખ કરવા તેમજ દારૂ અને જુગાર માટે કરી હોવાનું જણાવ્યું હતું.તેમજ આરોપીઓ દિવસના બંધ મકાનન તાળા જોઈ રેકી કરતા,ત્યાર બાદ રાત્રિના સમયે ચોરી કરતા જેમાં બે આરોપીઓ ઉમેશ ઉર્ફે ઉંદરડી ઉપર જેતપુરમાં ચોરી, લૂંટફાટ અને દારૂના 19 જેટલા ગુના નોંધાયેલા છે.જ્યારે આરોપી જયેશ ઉપર જૂનાગઢમાં ચોરી તેમજ દારૂના કેસ નોંધાયેલા છે જ્યારે રવિને આ કામ માટે બન્ને ઉપરોક્ત આરોપીને રૂપિયા આપી આ કામને અંજામ આપ્યો હતો પોલીસે 3 આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.