Gujarat

ભરૂચમાં 62 ગ્રામ મેથામ્ફેટામાઇન સાથે રહાડપોરનો પ્રકાશ પટેલ ઝડપાયો

— કિંમત રૂપિયા 7,10,100ના મુદ્દામાલ સાથે પ્રકાશને ઝડપી તે ક્યાંથી લાવ્યો છે તેની તપાસ આદરી
— ભરૂચ પોલીસ ‘નો ડ્રગ્સ ઈન ભરૂચ’ કેમ્પેઈન ચલાવી રહી છે.
ફરી એકવાર ભરૂચ જિલ્લો ડ્રગ્સના નેટવર્કનું હબ હોવાનો ઈશારો મળી રહ્યો છે. અવારનવાર ડ્રગ્સની હેરફેર કરનારા ભરૂચમાં ઝડપાતા હોય છે. આ નશાના કારોબારીઓ શહેરના યુવાનોને નશાની લત લગાડતા હોય છે. જોકે આ પ્રકારના ગુનાઓને રોકવા માટે SOG દ્વારા ‘નો ડ્રગ્સ ઈન ભરૂચ’ કેમ્પેઈન ચલાવી અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.
24 કલાક અગાઉ ભરૂચના દહેજમાં નશીલો પદાર્થનું રો-મટીરીયલ બનાવતી આખેઆખી ફેકટરી ઝડપાઈ હતી અને હવે ભરૂચના રહાડપોર ખાતેથી મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. પકડાયેલ શખ્સ ડ્રગ્સ વેચવાનો ધંધો કરતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા ‘NO DRUGS IN BHARUCH’ કેમ્પેઈન અંતર્ગત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી સમસ્ત ભરૂચના પોલીસ મથકોને સૂચનાઓ આપવામાં આવેલ.
જે સુચના આધારે ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપે ટીમો બનાવી નો ડ્રગ્સ પોલીસી અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. દરમિયાન SOGને  મળેલ ચોક્કસ બાતમી આધારે રહાડપોર ગામે રેઇડ કરતા 47 વર્ષિય આરોપી પ્રકાશ અંબાલાલ પટેલનાઓના કબજા ભોગવટાની મારૂતી વાન ગાડી નં. GJ16-AU-0314માંથી ગેરકાયદેસર Methamfetamine ડ્રગ્સ મળી આવ્યું હતો. આ જથ્થો 62 ગ્રામનો જેની કિં.રૂા. 6,20,000/- જેટલ આંકવામાં આવી છે.
SOGએ આરોપી પાસેથી મેથામ્ફેટામાઈનનો 62 ગ્રામનો જથ્થો કિંમત રૂા.620000, એક મોબાઈલ કિંમત રૂા.15,000, એક ડીઝીટલ વજનકાંટો કિંમત રૂા.100, પ્લાસ્ટીકની નાની ઝીપલોકવાળી થેલી, મારૂતિ વાન ગાડી નં. GJ-16-AU-0314 કિંમત 75,000 રૂપિયા મળી કુલ 7,10,100 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરી પ્રકાશ અંબાલાલ પટેલ વિરૂધ્ધ NDPS એકટ કલમ-8(C), 22(C) તથા 25 મુજબ ભરૂચ એ-ડીવીઝીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તે આ ડ્રગ ક્યાંથી લાવ્યો હતો અને કોને-કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
વિરલ ગોહિલ, ભરૂચ