૩૦ ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક ઉજ્જવલા યોજનાની ૧૦ કરોડમી લાભાર્થી મીરા માંઝીના ઘરે ગયા હતા. જે બાદ તેમણે મીરા માંઝી અને સૂરજ માંઝી સાથે ચા પીધી હતી. મુલાકાત બાદ હવે પીએમ મોદીએ મીરા માંઝીને પત્ર લખ્યો છે અને સાથે ભેટ પણ મોકલી છે. જેમાં ટી સેટ અને ડ્રોઇંગ બુક અને કલરનો સમાવેશ થાય છે.. પીએમ નરેન્દ્ર મોદીએ મીરા માંઝીને પત્ર લખીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ચા માટે તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ વધુમાં લખ્યું છે કે, અયોધ્યા આવ્યા પછી મેં ઘણી ટીવી ચેનલો પર તમારો ઈન્ટરવ્યુ જાેયો. તમારા પરિવારના સભ્યોનો તેમાં વિશ્વાસ જાેઈને મને આનંદ થયો. પીએમે કહ્યું કે તમારા જેવા મારા કરોડો પરિવારના સભ્યોના ચહેરા પરનું આ સ્મિત મારી મૂડી છે, સૌથી મોટો સંતોષ છે, જે મને દેશ માટે પૂરા દિલથી કામ કરવાની નવી ઉર્જા આપે છે.