ડાકોરમાં ઉમરેઠ રોડ પર આવેલ ભવન્સ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાનો મામલો ઉજાગર થયો હતો. જે બાદ શાળાના આચાર્ય અને શાળાના મેનેજમેન્ટે આ શિક્ષક સામે પગલાં ભરી તાત્કાલિક અસરથી શાળામાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)એ પણ શાળાની મુલાકાત લીધી છે.
ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલી ભવન્સ ઈંગ્લિશ મિડિયમ સ્કુલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો એક 13 વર્ષના વિદ્યાર્થીને 26 નવેમ્બર 2024ના રોજ ક્લાસમાં હાજર શિક્ષકે જમણા ગાલે એક પછી સાત લાફા માર્યાની ઘટના તાજેતરમાં ઉજાગર થઈ છે. કરાટેના શિક્ષકે અંગૂઠા પકડાવાનું કહેતા વિદ્યાર્થીએ અંગૂઠા પકડ્યા હતા અને બાદમાં શિક્ષકે એકાએક લાફા માર્યા હતા.
જોકે, ગભરાયેલા બાળકે આ અંગે ઘરમાં કોઈ સભ્યોને જાણ કરી નહોતી. ત્રણ દિવસ બાદ બાળકના કાનમાં દુખાવો થતાં પિતાએ પૂછપરછ કરતા બાળકે સમગ્ર હકીકત કહી હતી. જે બાદ ગત 3 ડિસેમ્બરના રોજ વાલી દ્વારા આ બાબતે શાળામાં જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ બાળકને ઉમરેઠ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજ બાજુ આ શિક્ષક લાફા મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

આ બાબતે વાલી જલ્પન વ્યાસે જણાવ્યું કે, શાળામાં આ કરાટે શિક્ષક દ્વારા અનેકવાર વિદ્યાર્થીઓને માર મારવાની ફરિયાદો આવી છે. જેમાં શાળાના કરાટે શિક્ષક દ્વારા મારા એકલા બાળકને નહીં, પરંતુ અનેક બાળકોને માર મારવામાં આવ્યો છે. શિક્ષકનું વર્તન વિચિત્ર છે. મારા બાળકને વગર વાંકે 8 લાફા મારી દીધા હતા.
જેને કારણે મારા બાળકને કાનના ભાગે સોજો આવી ગયો હતો. મેં રજૂઆત કરી શાળામાં છતાં શિક્ષક સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ અગાઉ મારા છોકરાના ક્લાસમેટને કિક મારતાં નહોતી આવડી તો તેને આ જ સરે કેડના ભાગે લાત મારી કિક કેવી રીતે મરાય તે બતાવ્યું હતું. તેની પહેલાં અલીણા ગામના એક વિદ્યાર્થીને પણ માર માર્યો હોવાના આક્ષેપો કર્યા છે.
જ્યારે સામે ભવન્સ શાળાના ઈંગ્લિશ મિડિયમના આચાર્ય દવે વિધીએ જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ ઘટના બની હતી. એ બાદ 7 દિવસ પછી અમને વાલીએ જણાવ્યું હતું. જોકે, તે જ સમયે અમે સીસીટીવી ફૂટેજ મેળવી આ શિક્ષક સામે પગલા ભર્યા હતા અને આ વાલી સમક્ષ શિક્ષકનું માફી પત્ર પણ લખાવ્યું હતું. બીજી તરફ અગાઉ પણ આવી ફરિયાદો ઉઠી હોવાના આક્ષેપો તેમણે ફગાવ્યા છે.
જે તે સમયે સીસીટીવી ફૂટેજ વાલીએ જાતે પોતાના ફોનમાં કેપ્ચર કર્યા હતા. અમે અને અમારા મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી આ શિક્ષકને છૂટા કરી દીધા છે. જ્યારે આ સમગ્ર બાબતે ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી રમેશ ખ્રિસ્તીએ જણાવ્યું કે, આ બાબતે અમે તપાસ કરી મેં જાતે શાળાની મુલાકાત લીધી છે. આચાર્ય અને મેનેજમેન્ટની પણ પૂછતાછ કરી છે.