બોર્ડની ધો. ૧૨ ની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે, કોમર્સ ફેકલ્ટીમાં ૫૦૦ જેટલી બેઠકો ખાલી હોવા છતાં
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમા ફરી એક વાર નવો વિવાદ સર્જાયો છે, જેમાં વિધ્યાર્થી સંગઠનો દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેનું કારણ છે, તાજેતરમાં બોર્ડની ધો. ૧૨ ની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે અને હાલ કોમર્સ ફેકલ્ટીમાં ૫૦૦ જેટલી બેઠકો ખાલી હોવા છતાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં ન આવતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો છે.
MSU ના વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફીસ જઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને અસરકારક રીતે રજુઆત કરવામાં આવી રહી છે. કોમર્સ ડીનને રજુઆત સમયે યુનિ. તંત્ર દ્વારા પોલીસ બોલાવી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યની બોર્ડની પૂરક પરીક્ષાના પરિણામો બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હજી સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. આ વાતને લઇને તાજેતરમાં વિદ્યાર્થી નેતા અને કોમર્સ ડીન વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો વીડિયો આપણી સામે આવી ચુક્યો છે. તે ઘટના બાદ પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં નહી આવતા આજે ફરી એક વખત યુનિ.માં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અને પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ માટેની એડમિશન પ્રક્રિયા ફરી શરુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
આ મામલે સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ કોમર્સ ફેકલ્ટીમાં ૬૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. તે બાદ હજી ૫૦૦ જેટલી બેઠકો ખાલી પડી રહી છે. ત્યારે વહેલી તકે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને તેને લાભ મળી શકે. આ મામલે લાંબા સમયથી રજુઆત અને વિરોધ બાદ હવે યુનિ. તંત્ર હવે ક્યારે અને શું પગલાં લે છે તે જાેવું રહ્યું.

