રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો ખડકાઇ રહ્યા છે અને આવા દબાણો હટાવવા રેવન્યુ તંત્ર વારંવાર કાર્યવાહી પણ કરે છે. તંત્ર દબાણકર્તાઓને નોટીસો ફટકારી અને દબાણો ઉપર બુલડોઝર પણ ફેરવી દે છે.
આમ છતાં આવી ખુલ્લી થયેલી જમીનો ઉપર ફરી દબાણો પણ ખડકાય જાય છે ત્યારે ફરી એકવાર રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ રાજકોટ તાલુકા મામલતદાર, રાજકોટ તાલુકાનાં અમરગઢ ભીચરીમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો અંગે નોટિસો ફટકારી છે.
રાજકોટ તાલુકાનાં અમરગઢ-ભીચરીનાં શિવમ પાર્ક વિસ્તારમાં આવેલી 6000 ચો.મી. જેટલી અને રૂ. 5 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ઉપર છેલ્લા કેટલાંક સમયથી 25 જેટલા પાકા મકાનો ખડકાઈ ગયા છે. જેથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
તંત્રએ કરાવેલા સર્વે દરમિયાન આ દબાણો તાજેતરમાં જ રેવન્યુ તંત્રનાં ધ્યાને આવ્યા હતા. દરમિયાન આ દબાણ અંગે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરાતા તેઓએ રાજકોટ તાલુકા મામલતદારને દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ સૂચનાનાં પગલે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા અમરગઢ ભીચરીનાં શિવમ પાર્ક વિસ્તારનાં 25 દબાણકર્તાઓને નોટિસો ફટકારી આગામી સાત દિવસમાં જમીન-મકાનનાં આધાર-પુરાવા અને દસ્તાવેજ સાથે રેવન્યુ તંત્ર સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે. રેવન્યુ તંત્રના સૂત્રો જણાવે છે કે, જો ઉપરોક્ત દબાણો સાબીત થશે તો તુરંત જ આ દબાણો ઉપર રેવન્યુ તંત્ર બુલડોઝર ફેરવી દેશે.