રવીન્દ્ર જાડેજા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ભારતના વિજયી થયા બાદ ટી૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેનાર ત્રીજો સિનિયર ક્રિકેટર બન્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની ઘોષણાઓ બાદ, જાડેજાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ફોર્મેટને “વિદાય” આપી. ]
બ્રિજટાઉનમાં રોમાંચક વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતના એક દિવસ પછી જાડેજાએ લખ્યું, “આભારથી ભરેલા હૃદય સાથે, હું ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય આપું છું. મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં આમ કરવાનું ચાલુ રાખીશ. “ટી૨૦ વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન જાણે સાકાર થયું હતું, જે મારી ટી૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું શિખર હતું. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર.” ૩૫ વર્ષની વયના જાડેજા, ૭૪ ટી૨૦માં ૫૧૫ રન કરી ચૂક્યો છે અને ૫૪ વિકેટ ઝડપી છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા પણ આઈસીસી ટ્રોફી જીતવાના લાંબા સમયથી ચાલી રહેલા દુકાળને ખતમ કરવામાં સફળ રહી. આ ખિતાબ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ ટી૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના વિશે તેણે કહ્યું કે આ ર્નિણય લેવા માટે આનાથી સારો સમય હોઈ શકે નહીં.
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪નું ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના ર્નિણય વિશે બધાને જાણકારી આપી હતી જેમાં તેણે કહ્યું હતું કે ટી૨૦ ઈન્ટરનેશનલમાં આ મારી છેલ્લી મેચ હતી. જ્યારથી મેં આ ફોર્મેટ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી મેં દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ માણ્યો છે. મેં પણ આ ફોર્મેટમાં ભારતીય ટીમ સાથે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાના ર્નિણયનો સમય આનાથી વધુ સારો ન હતો. મારે કપ જીતવો હતો. રોહિત ટી૨૦ ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે ૫૦ મેચ જીતનાર પ્રથમ ખેલાડી છે.
બીજી તરફ રોહિતની સાથે વિરાટ કોહલીએ પણ ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન બાદ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.