ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ મિટીંગમાં જૂની પેન્શન યોજના બાબતે સરકારમાં અસરકારક રજૂઆત કરવા અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડવા ચર્ચા કરવામાં આવી
સમગ્ર રાજ્યમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતનાં પડતર પ્રશ્નો સંદર્ભે અનેક રજૂઆતોનાં અંતે તા.16/9/2022 નાં રોજ પાંચ મંત્રીઓની કમિટિ સાથે બેઠક કરવામાં આવેલ. જેમાં કેટલાંક પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવેલ. સમાધાન મુજબ આજ સુધી કેટલાંક પ્રશ્નોનો ઉકેલ ન મળતાં તા. 4/2/2024 નાં રોજ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં દરેક જિલ્લાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. સદર બેઠકમાં તા. 12/2/2024 સુધીમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન મુજબનાં બાકી પડતર પ્રશ્નોનો જો ઉકેલ ન મળે તો તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું, જે આ મુજબ છે. તા.14/2/2024 અને તા.15/2/2024 રોજ સમગ્ર રાજ્યનાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કચેરી વડાને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી ફરજ બજાવશે. તા.16/2/2024 નાં રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરી ફરજ બજાવશે અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે પત્ર પાઠવશે. જ્યારે તા. 23/2/2024 નાં રોજ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમમાં જોડાશે.
આ આંદોલનાત્મક કાર્યક્રમો સંદર્ભે વધુ વિગત આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રી સાથે થયેલ સમાધાન પૈકી બાકી રહેલાં પ્રશ્નો જેવાંકે તા.1/4/2005 પહેલાં ભરતી થયેલાં કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, CPFમાં કર્મચારીનાં 10 % ફાળા સામે સરકારશ્રીએ 14 % ફાળો ઉમેરવો, કેન્દ્રનાં ધોરણે સાતમા પગાર પંચનાં બાકી ભથ્થાં આપવા તેમજ કેન્દ્રનાં ધોરણે મોંઘવારી ભથ્થાનો દર 25 % થાય ત્યારે ઘરભાડા ભથ્થું 9 %, 18 % અને 27 % તેમજ મોંઘવારી ભથ્થાંનો દર 50 % થાય ત્યારે ઘરભાડા ભથ્થું 10 %, 20 % અને 30 % નાં દરે આપવા બાબતે યોગ્ય ઉકેલ ન મળતાં ના છૂટકે તા. 4/2/2024 નાં રોજ મળેલ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં હોદેદારોની મળેલ મિટીંગમાં ઠરાવ્યાનુસાર તા. 14/2/2024 થી પડતર માંગણીઓનાં પ્રશ્ને સરકારનું ધ્યાન દોરવા તબક્કાવાર આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સૂચિત આંદોલનને શિક્ષકોનાં હિતમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ટેકો-સમર્થન જાહેર કરેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

