Gujarat

ભરૂચના દાંડિયાબજાર ખાતે ખુલ્લી ગટરમાં પડતા મૃત્યુ પામેલ યુવકના પરિવારને વળતર આપવા મુખ્યમંત્રીને રજુઆત

યુવકનું ખુલ્લી ગટરમાં પડતા મોત થયું હોઇ ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓને કસુરવાર ઠેરવી તેમના વિરૂધ્ધ પગલા લેવા પણ માંગ કરવામાં આવી

તા.૨૨ મીના રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલ દાંડિયાબજાર વિસ્તારમાં મનોજ સોલંકી નામનો યુવાન ચાલતાચાલતા ખુલ્લી ગટરમાં પડતા યુવકનું મોત થયું હતું અને તેનો મૃતદેહ ખુલ્લી ગટરમાંથી મળ્યો હતો.આ ઘટનાનો અહેવાલ સીસી ટીવી ફુટેજ સાથે એક સ્થાનિક ન્યુઝ ચેનલમાં પ્રકાશિત થયો હતો.

આ યુવકનું મોત ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે થયું હોવાનું સ્પષ્ટપણે જણાતા ખુલ્લી ગટરને લઇને યોગ્યરીતે જવાબદારી નિભાવવામાં નગરપાલિકાના પદાધિકારીઓ નિષ્ફળ ગયા હોવાની વાત સાથે આ ઘટના બાબતે નગરપાલિકાના કથિત જવાબદારો; નગરપાલિકા પ્રમુખ,પબ્લિક વર્ક કમિટી ચેરમેન,નગરપાલિકા કારોબારી ચેરમેન,નગરપાલિકા વોર્ડ નંબર ૭ ના કાઉન્સીલરો તેમજ નગરપાલિકાના એન્જિનિયર અને બનાવ સ્થળનો કોન્ટ્રાક્ટર સહિત અન્ય જે કોઇ જવાબદાર નીકળે તેમની સામે પગલા ભરવા રાજ્યના મુખ્યમંત્રી,ગૃહમંત્રી,જિલ્લા કલેક્ટર,માનવ અધિકાર પંચ સહિત અન્ય વિભાગોમાં લેખિતમાં રજુઆત કરીને મૃતકના પરિવારને આર્થિક વળતર અપાવવા માંગ કરવામાં આવી હતી.ભરૂચ સ્થિત વકિલ કમલેશ મઢીવાલા દ્વારા આ બાબતે લેખિતમાં રજુઆત કરતા વધુમાં જણાવાયું હતું કે ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષોથી ચાલી રહેલી ગટર યોજના પુરી થયેલ નથી.

વધુમાં મનોજભાઇ સોલંકીના મૃત્યુ બાબતે જવાબદાર ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરીને યોગ્ય તપાસ કરીને કસુરવારોને સજા કરવા પણ માંગ કરવામાં આવી હતી.તેમજ મૃતકના પત્ની તેમજ સંતાનને ભરૂચ નગરપાલિકા તરફથી કાયમી નોકરી આપવામાં આવે એમ પણ રજુઆતમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છેકે વિકાસના બણગા ફુંકતી ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ નગરજનોને લોકાભિમુખ વહિવટ આપવામાં નિષ્ફળ ગયા હોવાની બુમો પણ નગરજનોમાં ઉઠવા પામી છે.

ત્યારે નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી કોઇનું મોત થાય એ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તેવી લાગણી મૃતકના પરિવારજનોમાં સ્પષ્ટપણે દેખાય છે. વળી આ સિવાય પણ નગરમાં કયાકયા સ્થળોએ ખુલ્લી અને જોખમી ગટરો આવેલી છે તેની તપાસ કરીને આવી ખુલ્લી ગટરો તાકીદે બંધ કરાય જેથી ભવિષ્યમાં અન્ય કોઇ દુર્ઘટના કે જાનહાની ના થાય તેવી માંગ નગરજનો કરી રહ્યા છે.