Gujarat

આરએમસી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાને ક્રાઈમ બ્રાન્ચે ચાલુ બેઠકમાંથી તપાસ માટે લઈ જવામાં આવ્યા

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં પોલીસ આવી એક્શનમાં

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની તપાસમાં પોલીસ હવે એક્શન મોડમાં આવી હોય તેવું હવે જોવા મળી રહ્યું છે. અગ્નિકાંડને લઈને શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ પૈકી, રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાને, ક્રાઈમ બ્રાન્ચે ચાલુ બેઠકમાંથી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં નવા નિમાયેલા મ્યુ. કમિશનર ડી પી દેસાઈ અધિકારીઓની બેઠક યોજી રહ્યાં હતા. તે સમયે જ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠીયાને કોન્ફરન્સ રૂમમાંથી ઉઠાવીને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે જરુરી પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.

ગયા શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ, સફાળા જાગેલા તંત્રે એક પછી એક પગલા લેવાનું શરુ કર્યું હતું. જેમાં રાજકોટના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ અને મનપાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેમા રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાનો પણ સમાવેશ થતો હતો. જો કે તેમનો ચાર્જ હાલમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રુડાના અધિકારીને સોપવામાં આવ્યો છે.