વિરમગામ પાંનચકલા વિસ્તારથી ભરવાડી દરવાજા સુધીના જાહેર માર્ગ પરના વેપારીઓના એસોસિએશન દ્વારા વિરમગામ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને લેખિત – મૌખિક રજૂઆત કરી જણાવ્યું હતું કે રોજ રોજ ગંદા પાણીની ઉભરાતી ભૂગર્ભ ગટર બાબતે કાયમી યોગ્ય નિકાલ લાવવા માંગ કરી હતી.
વેપારીઓના એસોસિએશન દ્વારા જણાવ્યાં અનુસાર પાંચ ચકલાથી ભરવાડી દરવાજા રોડ પર 8 વર્ષથી સમયાંતરે દિન-પ્રતિદિન ભૂગર્ભ ગટરના મેન હોલો સતત વપરાઈ રહ્યા છે. જેના કારણે વેપારીઓના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.
અનેક વખત વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ વિદ્યાર્થીઓ તથા ગામડેથી આવતા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં સતત ગંદકીને લઈને લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ કોટ વિસ્તાર સહિત વોર્ડ નંબર 8 માં આવેલી સોસાયટીઓમાં વર્ષોથી ભૂગર્ભ ગટરની સમસ્યા ઠેકઠેકાણે છે. ત્યારે વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરનું ફેઝ 3 હેઠળનું કરોડોનું કામ શરૂ થઈ ચૂક્યું છે પરંતુ તે ફક્ત બહાર નવા વિકસી રહેલા એરીયાઓમાં, તેમજ જ્યાં હજુ એકાદ સોસાયટી બની હોય તેવા વિસ્તારોમાં બિલ્ડરો અને રાજકીય માંગથી બે-બે કિલોમીટર સુધીની ભૂગર્ભ ગટરની લાઈનો નાંંખી દેવામાં આવી છે. ત્યારે મુળ વિરમગામ શહેરની ફેઝ 3 હેઠળની ભૂગર્ભ ગટરની લાઈનો ક્યારે નાંખવામાં આવશે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.

