Gujarat

‘શંકરાચાર્ય ગુરૂકુલમ્’ના ઋષિકુમારો ઝળક્યા; વિવિધ શાળાઓમાં અનેક સુવિધાઓનું લોકાર્પણ

‘શંકરાચાર્ય ગુરૂકુલમ્’ના ઋષિકુમારો ઝળક્યા

વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજીત જ્યોતિષ, વ્યાકરણ તથા વેદ વિષયોમાં પ્રથમા અને મધ્યમા કક્ષાની રાજયસ્તરીય સ્પર્ધામાં શંકરાચાર્ય ગુરુકુલમના વિદ્યાર્થીઓએ વડોદરા ખાતે ભાગ લીધો હતો.

જેમાં મધ્યમ કક્ષાનો છાત્ર શુકલા પ્રશાંતે જયોતિષ વિષયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તથા રોકડ રૂા. 7000નો પુરસ્કાર પ્રાપ્ત કરેલો તથા પ્રથમા કક્ષાના છાત્ર પંડ્યા યુવરાજે પ્રોત્સાહન પુરસ્કાર રૂ. 1000 રોકડ તથા પ્રમાણપત્ર મેળવેલું. શંકરાચાર્ય ગુરૂકુલમના ઋષિકુમારોએ રાજયસ્તરીય સ્પર્ધામાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી દ્વારકા શારદાપીઠ તથા શંકરાચાર્ય ગુરૂકુલમનું ગૌરવ વધારેલું છે. વિદ્યાર્થીઓના આ દલનું નેતૃત્વ વ્યાકરણના અધ્યાપક નૈમિશ મહેતાએ કર્યું હતું.

જિલ્લાની 66 શાળાઓમાં આવતીકાલે લોકાર્પણ

વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રીક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેમની સામાજિક ફરજોના ભાગરૂપે જામનગરના સાંસદ પૂનમ માડમના પ્રયાસોથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી કુલ 141 શાળાઓમાં કોમ્પ્યુટર સિસ્ટમ, વોટર કુલર તથા વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવનાર છે. આ અંતર્ગત આવતીકાલે ગુરૂવાર તારીખ 7ના રોજ ખંભાળિયા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 66 શાળાઓમાં વોટર કુલર, વોટર પ્યુરીફાયર તેમજ કોમ્પ્યુટર સિસ્ટમનું લોકાર્પણ થશે.

જે હેઠળ અહીંના ટાઉનહોલમાં ગુરુવારે સાંજે 5 વાગ્યે સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી પણ જોડાશે.