Gujarat

ભરૂચ અંકલેશ્વર રોડ પર ભુતમામાની ડેરી નજીક મગર દેખાતા લોકોમાં કુતુહલ મિશ્રિત ડર ફેલાયો

ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પર ભુતમામાની ડેરી પાસે કોતરમાં મગર દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. બહાર ટહેલવા નીકળેલ મગરને નિહાળવા લોકટોળા ઉમટ્યા હતા. મળતી વિગતો મુજબ અગાઉ પણ આ જગ્યાએ એક મગરની હાજરી જોવા મળતા લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા મગરને રસક્યુ કરીને ઝડપી લેવાયો હતો અને સલામત સ્થળે છોડી દેવાયો હતો. આજ સ્થળે હાલમાં પણ મગરે દેખા દેતા લોકોમાં ભય ફેલાયો છે.

અને લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ જગ્યા પર હાલમાં પણ ત્રણ જેટલા મગર છે,અને ઘણીવાર બહાર નીકળતા હોય છે. આ સ્થળે મગરોની હાજરી જણાતા લોકો ભયભીત બન્યા છે અને વનવિભાગ તાકીદે પાંજરૂ ગોઠવીને મગરોને ઝડપી લે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.ઉલ્લેખનીય છેકે નર્મદા નદીમાં દિવસેદિવસે મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. નર્મદામાંથી મગરો ઘણીવાર કાંઠા વિસ્તારની ખાડીઓમાં આવી જતા હોય છે.

ભુતકાળમાં ઝઘડિયા તાલુકામાં નર્મદા તટે કેટલાક ગામોના રહીશો મગરના હુમલાનો ભોગ બન્યા હતા અને આવા હુમલાઓમાં ઘણા લોકોએ જાન પણ ગુમાવ્યા હતા,ત્યારે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના આ સ્થળે જાહેરમાં દેખાતા મગર કોઇ માણસ પર હુમલો કરે અને જાનહાની સર્જાય તે પહેલા તંત્ર મગરોનું રેસક્યું કરીને ઝડપી લે તે જરૂરી બન્યું છે.