Gujarat

શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા ખાતે સોલાર ઊર્જા પ્લાન્ટના લોકાર્પણ  તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા ખાતે દેવળા ગેઇટ ચોક પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાને સોલાર ઊર્જા પ્લાન્ટ લોકાર્પણ, તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા  શહેરના અગ્રગણ્ય મહાનુભાવો, સંતો અને રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આમ  સંત શૂરા અને દાતાની ભૂમિ સાવરકુંડલા શહેરમાં આ રૂડો કાર્યક્રમ યોજાયો. આ પ્રેરક પ્રસંગે દાતાશ્રી જશવંતભાઈ રતિલાલ દોશી, માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ, હસુબાપુ, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના દીપકભાઈ શેઠ, જયેશભાઈ માટલીયા કિરીટભાઈ મગીયા સમેત શહેરના અનેક ગણમાન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાત જાણે એમ છે કે શ્રી કૃષ્ણ ગૌશાળાએ છેલ્લા પચ્ચીસ વર્ષથી આ વિસ્તારમાં લૂલી લંગડી બિમાર અશક્ત ગાયોની સેવા સારવાર સાથે નિભાવ કરે છે. વળી આ ગોશાળાને પોતાની કોઈ સ્થાયી આવક નથી. કેવળ દાતાશ્રીઓના દાન પર નિર્ભર આ ગૌશાળાને નિભાવવી એ પણ એક પડકારરૂપ કામગીરી છે
જો કે જયેશભાઈ માટલીયા, જશવંતભાઈ દોશી, કિરીટભાઈ મગીયા જેવા જીવદયા પ્રેમી દાતાશ્રીની અમી દ્રષ્ટિથી જે આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે તે આ સંસ્થા માટે આશીર્વાદ રૂપ છે. આ સંસ્થા મોટેભાગે મકરસંક્રાતિ અને નવરાત્રિ પર્વ દરમિયાન વિવિધ ફ્લોટ બનાવી જીવદયા પ્રેમીઓએ પાસેથી જે રકમ પ્રાપ્ત થાય છે તે આ સંસ્થાના નિભાવ માટે ખર્ચ કરવામાં આવે છે. વળી કોઈને ત્યાં વિવાહ પ્રસંગે, કથા કે કોઈ ધાર્મિક સામાજિક કાર્યક્રમ હોય અને કોઈ આ સંસ્થામાં દાન દક્ષિણા આપવા માંગે તો  તે રકમ આવે તે સંસ્થાના ગાયોના નિભાવ માટે વપરાય છે. હવે વાત જાણે એમ છે કે આ ગૌશાળામાં વપરાતી ઈલેક્ટ્રીસિટી પેટે દર મહિને પંદર હજાર જેટલું ઈલેક્ટ્રીક બિલ આવતું હોય આ અંગે શ્રી જસવંતરાય રતિલાલ દોશી હાલ અમેરિકાના દાતાશ્રીને આ બાબતે જાણ થતાં તેમણે આ સંસ્થાની આ સમસ્યાને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે રૂપિયા પાંચ લાખનું અનુદાન સોલાર ઊર્જા પ્લાન્ટ નાખવા માટે ફાળવ્યા જેના પરિણામે ગતરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે દીપપ્રાટ્ય કરવા આવેલ. ત્યાર બાદ સંસ્થાના મંત્રીએ આ સંસ્થા અને તેની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી. ઉપસ્થિત મહેમાનનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. આ પ્રસંગે દાતાશ્રી જશવંતભાઈ રતિલાલ દોશીએ પોતાના પ્રેરક વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતે ભલે અમેરિકા વસે પણ સાવરકુંડલા જ પોતાનું ખરું વતન છે. અને પોતે જે કંઈ કરી રહ્યા છે તે પોતાના પિતાશ્રી માતુશ્રી અને પોતાના પરિવારના સંસ્કારોને આધારે માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો એક નમ્ર પ્રયાસ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોતે  ભલે અમેરિકા રહે. પરંતુ દર વર્ષે સાવરકુંડલાની ભૂમિનું આચમન કરવા માટે આવતા જ રહેશે અને પોતાની શક્તિ મુજબનો સહયોગ જીવદયા કાર્ય  માટે હમેશ આપતાં રહેશે એવી જાહેરમાં ખાત્રી આપી હતી. આ પ્રસંગે પૂ. ભક્તિરામબાપુ માનવ મંદિર, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા તથા સંસ્થાના મંત્રી બળવંતભાઈ મહેતાએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાવરકુંડલાની પ્રતિષ્ઠિત કોલેજના પ્રિન્સિપાલ રવિયા સાહેબે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગર મંત્રી બળવંતભાઈ મહેતા ખજાનચી જયેશભાઈ જોષી સમેત સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. એકંદરે સાવરકુંડલા ખાતે જીવદયા અને એમાં પણ ગૌસેવા સંદર્ભે યોજાયેલ આ કાર્યક્રમની લોકોએ ભારોભાર પ્રશંસા કરી હતી. આપના હ્રદયમાં પણ આપના ઈષ્ટનું સ્મરણ કરી જો આ સંસ્થાની સેવા માટે કોઈ સંવેદના જાગે તો સંસ્થાની મુલાકાત લઈ યોગ્ય આર્થિક સહયોગ આપી શકો છો. અત્રે નોંધનીય બાબત તો એ છે કે સંસ્થાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગર આ સેવા કાર્ય કોઈ પણ પ્રસિદ્ધની અપેક્ષા વગર મૂક મને કરતાં જોવા મળ્યા હતાં

IMG-20240223-WA0039.jpg