Gujarat

જેતપુર નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પિતા સામે પુત્રએ દમ તોડયો

જેતપુરના વીરપુર પાસે ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો 
જેતપુર રાજકોટ નેશનલ હાઇવે વીરપુર નજીક પાસે ગતરાત્રીના બાઇક પર ગોંડલથી ખરીદી કરી આવી રહેલા પિતા-પુત્રને ડમ્પર ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં પુત્રનું કરુણ મોત નિપજ્યું હતુ. જ્યારે પિતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હતો. બનાવનાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો.
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના સેલુંકા ગામે રહેતા છગનભાઈ વાળા તથા તેમનો પુત્ર ભરત ઉ.વ.25 ગત રાત્રીના ગોંડલથી ખરીદી કરી પોતાના ઘર તરફ સેલુક આવી રહ્યા હતાં. ત્યારે વિરપુર નજીક રવિ હોટલ પાસે પુરપાટ વેગે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ફંગોળાતા પાછળ બેઠેલા છગનભાઈ વાળને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જ્યારે બાઈક ચાલક તેમનાં પુત્ર ભરતભાઈનું ઘટના સ્થળે મોત  નીપજ્યું હતું છગનભાઈ ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે મૃતક ભરતભાઈ ને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયા હતા.આમ પિતાની નજર સામે પુત્રએ દમ તોડતા છગનભાઈ હતપ્રત બન્યા હતા. પિતા-પુત્ર મજૂરી કામ કરી જીવનનિર્વાહ ચલાવતા હતાં બનાવ અંગે વિરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.