Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલે ઉત્સાહભેર કર્યા વર્ષાના વધામણાં…

સાવરકુંડલા ખાતે આવેલ કે. કે. હાઇસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં થઈ વર્ષાગીતની રમઝટ
શ્રી કે.કે હાઈસ્કૂલ અને શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલામાં તારીખ ૨૭-૭-૨૪ ને શનિવારના રોજ CA_સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વર્ષા ગીતના  કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાંચ વિદ્યાર્થી ભાઈઓ અને ચાર બહેનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. પોતાના સુરીલા કંઠે વર્ષાના વધામણા કર્યા  હતા .પ્રાર્થના હોલની અંદર વર્ષામય વાતાવરણ સર્જાયુ હતુ. તબલાવાદક  હિરેનભાઈ પરમાર અને મંજીરાવાદક  દ્વારા સંગીતની મહેફિલમાં ચાર ચાંદ લાગી ગયા હતા.
શિક્ષક જાગૃતભાઈ દવે દ્વારા સુરીલા કંઠે ‘મોર બની થનગાટ કરે’ ગીત રજૂ કરવામાં આવ્યુ હતુ. શિક્ષિકા ભૂમિકાબેન ઢગલ દ્વારા ‘વા વાયા ને વાદળ  ઉમટયા’ ગીતની લહાણી કરાવી હતી.શિક્ષક માંજરિયા સાહેબ દ્વારા લોક સાહિત્યની લઢણમા ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી’ ગીતની જમાવટ કરી હતી.
સંસ્થાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયા સાહેબે વર્ષા ગીત ગાનાર તમામ ભાઈઓ-બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા  વર્ષાબેન પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી  સાવરકુંડલા