Gujarat

છોટાઉદેપુર થી હરવાંટ બસ સેવા શરૂ કરવા પ્રજાની પ્રબળ માંગ 

છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં હજુ પણ ઘણા વિસ્તારોમાં એસટી બસ નિયમિત જતી નથી. જેના કારણે પ્રજાને જિલ્લા મથક સુધી પહોંચવા માટે ભારે તકલીફ પડે છે. સાથે સાથે પોતાનું ભવિષ્ય સુધરવા શિક્ષણ મેળવવા માટે વિધાર્થીઓને શાળા તથા કોલેજો સુધી પહોંચવું હોય જેમાં પણ તકલીફ ઊભી થાય છે.
છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરા ગામના રહેવાસી અને તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા એ આ બાબતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ને વિદ્યાર્થીઓ માટે બસ ફાળવણી કરવા બાબતે પત્ર લખી ભલામણ કરવા વિનંતી કરી હતી. જે માંગને ધ્યાનમાં રાખી લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર થી હરવાટ બસ શરૂ કરવા નિયામક વિભાગીય કચેરી રાજ્ય માર્ગ વાહન પરિવહન વડોદરા ડિવિઝન ઓફિસ ખાતે પત્ર લખી માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામે આવતા 120 બાળકોને અવરજવર માટે ખૂબ જ તકલીફ પડે છે. જેમાં જેઓ રાયસીંગપુરા, તલાવ ફળિયા, વર્ધી, હરવાટ,ચોકડી, બોપા, માલઘી અને ધર્મજ વગેરે ગામોમાં વિદ્યાર્થીઓને તથા જેતપુર પાવી કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી હોય સદર વિદ્યાર્થીઓ માટે હરવાટ, રાયસીંગપુરા વાયા તેજગઢ છોટાઉદેપુર રૂટ ચાલુ કરવા માગ કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર