વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે (5 ઓગસ્ટ) NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે ડીનને કહ્યું હતું કે, સર એસીવાળી કેબિનમાં તમને સારું લાગતું હશે, પણ જ્યારે વડોદરામાં નીકળશો ત્યારે બધા તમને ગાળો આપશે. તો વિદ્યાર્થી નેતાએ ડીનને જણાવ્યું કે, VCને જઈને કહી દો કે, તું ગધેડા જેવો લાગે છે.
શહેરના વિદ્યાર્થીઓને તો એડમિશન આપવું જ પડશે. આ દરમિયાન ડીન કેતન ઉપાધ્યાય દ્વારા 6,400 વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ પૂરતા શિક્ષકો ન હોવાની કબૂલાત કરી હતી, જેનો વીડિયો હાલ વાઇરલ થયો છે. જેને લઈને એમએસ યુનિવર્સિટી સહિત ગુજરાતના શિક્ષણના સ્તર બાબતે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની ઉગ્ર માગ
વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની વર્ષોથી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી માનવામાં આવે છે. પરંતુ આ વિશ્વવિખ્યાત કહેવાથી એમએસ યુનિવર્સિટીમાં ક્વોલિફાઇડ શિક્ષકો જ નથી. આ અમે નહીં, પરંતુ MS યુનિવર્સિટીની કોમર્સના ડીન ખુદ કહી રહ્યા છે.
ગઈકાલે NSUI દ્વારા ડીનનો ઘેરાવ કરીને પૂરક પરીક્ષા આપનાર સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
‘તમે VCને જઈને કહી દો કે, તું ગધેડા જેવો છે’
આ રજૂઆતનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં વિદ્યાર્થીઓ ડીનને કહી રહ્યા છે કે, સર ACવાળી કેબિનમાં તમને સારું લાગતું હશે, પરંતુ વડોદરામાં તમે નીકળશો તો તમને બધા ગાળો આપે છે. આ હકીકત તમે જાણી લો. તમે VCને જઈને કહી દો કે, તું ગધેડા જેવો છે. વડોદરાના વિદ્યાર્થીઓને તો એડમિશન આપવું જ પડશે.
કેમ આવી જીદ હોય એની? બહારથી આવેલા વીસી વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નથી આપતા. સાહેબ તમારું ચાલતું જ નથી કે શું? તમે સ્વેચ્છિક રાજીનામું આપી દો. તમે કેટલાં વર્ષ કાઢ્યાં છે.

