Gujarat

સુરત જિલ્લામાં સિઝનના 45.6 ઇંચ સાથે 78% વરસાદ પડ્યો, ઉકાઈ ડેમની સપાટી મહિનામાં 16 ફૂટ વધી

સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે (29 જુલાઈ) વહેલી સવારથી વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી હળવો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં સીઝનના 45.6 ઈંચ સાથે 78 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી મહિનામાં 16 ફૂટ વધી છે.

વહેલી સવારથી મેઘરાજાની ફરી પધરામણી

સુરત શહેરમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે, છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને છુટા-છવાયા વરસાદી ઝાપટા જ પડી રહ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની સવારી કાળા ડીબાંગ વાદળો સાથે સુરત શહેર આવી પહોંચી છે. વહેલી સવારથી જ સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

કામ-ધંધે જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા

તો બીજી તરફ વહેલી સવારે વરસાદી માહોલ હોવાથી સ્કૂલ-કોલેજ તેમજ નોકરી- ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી પણ ફરી વળ્યા હતા. સુરત સિટીમાં એક ઇંચ જેટલો હળવો વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલી અને મહુવામાં પણ વરસાદ નોંધાયો હતો.

ધોધમાર બાદ વરસાદે વિરામ લીધો હતો

ગત અઠવાડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રવિવારે શરૂ થયેલો વરસાદ એકધારો બુધવાર સુધી વરસ્યા બાદ અટકયો હતો. ત્યારબાદ આજદીન સુધી સુરત શહેર અને જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો હતો. સુરત શહેર અને જિલ્લાનૌ મોસમનો કુલ 1140 મિ.મિ અને સરેરાશ 45.6 ઇંચ સાથે 78 ટકા વરસાદ નોંધાયો છે.

ઉકાઈ ડેમની સપાટી રૂલલેવલ કરતા 11 ફૂટ ઓછી

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ઝાઝો વરસાદ વરસ્યો નહીં હોવાથી અત્યાર સુધીમાં પર રેઈનગેજ સ્ટેશનમાં સરેરાશ 13.52 ઈંચ વરસાદ વરસવાની સાથે જ સપાટીમાં એક મહિનામાં 16 ફૂટના વધારા સાથે આજે સાંજે 321.89 ફૂટ થઈ હતી. જે રૂલલેવલ કરતા 11 ફૂટ ઓછી અને ગત વર્ષ કરતા આ વર્ષે હજુ પણ 8 ફૂટ ઓછુ પાણી ડેમમાં આવ્યું છે.