Gujarat

ચિત્રકૂટ એવોર્ડ વિજેતા સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાની સખાવત 

               પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષક માટેનાં ચિત્રકૂટ એવોર્ડ માટે તાજેતરમાં ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાની પસંદગી થવા પામી હતી. જેમને સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે પ્રશસ્તિપત્ર તથા ₹ 25 હજારનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
               ચિત્રકૂટ એવોર્ડ મેળવી ઓલપાડ સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કરનાર રાકેશ મહેતાએ તેમને પુરસ્કારરૂપે મળેલ ધનરાશિ પૈકી ₹ 5 હજાર દાનપેટે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને અર્પણ કર્યા હતાં.
               તાલુકાની આડમોર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ એક  કાર્યક્રમમાં તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, દંડક કિશોરભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલની ઉપસ્થિતિ વચ્ચે તેમણે આ રકમનો ચેક ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલને અર્પણ કર્યો હતો. તેમની આ ઉમદા સખાવતને ઉપસ્થિત સૌએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.