Gujarat

સાવરકુંડલાને જેણે ઘૂંટડે ઘૂટડે જાણ્યું અને માણ્યું છે તેવા સાવરકુંડલાના ઘરેણાં સમાન ગઝલકાર કવિ ભરત વિંઝુડાનો ૧૪ મો કાવ્ય સંગ્રહ “તમારા માટે” પ્રકાશિત થઈ ચૂક્યો છે

જેમની ગઝલોના અનેક ગઝલપ્રેમીઓ ચાહક છે, એવા  ગઝલકાર કવિ ભરત વિંઝુડાનો (સમગ્ર ‘ભરતકામ’ને બાદ કરતાં)૧૪મો કાવ્યસંગ્રહ ‘તમારા માટે’ આવી ગયો છે. ગઝલને સાતત્ય પૂર્વક ખેડતાં આ કવિને પાંચ દાયકા થવા આવ્યા છે. સાંપ્રત સમયે સમયે સંખ્યા અને સમૃદ્ધિ બેઉ દૃષ્ટિએ માતબર ગઝલસર્જન કરનાર કોઈ ગઝલકાર હોય તો તે નિર્વિવાદપણે ભરત વિંઝુડા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ભાવકોથી લઈ વિદ્વાનો સુધી લોકપ્રિય નીવડતી આ કવિની વિપુલ કાવ્ય રાશિમાંથી એકલદોકલ ગઝલનો આસ્વાદ કે ગઝલસંગ્રહનાં અવલોકનો થયાં છે. ક્યારેક એમના એકાધિક સંગ્રહને ધ્યાને લઈ કવિના ગઝલ વિશેષોના નિર્દેશો પણ થયાં છે. પરંતુ એમની સમગ્ર ગઝલરાશિનો સઘન અભ્યાસ થવો હજુ બાકી છે.
એમની કવિતા પર એમ.ફીલ./ પીએચ. ડી. થયું છે, પરંતુ પદવી માટે થતાં આવાં અભ્યાસો એટલા ઉપછલ્લા હોય છે કે એમાંથી ખાસ કંઈ પ્રાપ્ત થવા જેવું હોતું નથી.  હકીકતમાં આપણી વિવેચનામાં કથાસાહિત્ય કે અન્ય સાહિત્ય સ્વરૂપોમાં છે તેવા ગઝલના અભ્યાસુઓની અછત છે.
એમાંય ત્રૂટક છૂટક અને યદા કદા ગઝલ વિવેચના કરતાં વિવેચકો માટે આશરે ૧૫૦૦ જેટલી ગઝલોનો અભ્યાસ કરવાની હિંમત અને ધૈર્ય ક્યાંથી હોય ! ખેર, આ પડકાર પણ કોઈ ઝીલે એ માટે જ આ કવિએ આ સંગ્રહનું આવું લાક્ષણિક નામ રાખ્યું હશે ! જે વાંચે તેને ‘તમારા માટે.’ એમ ઇજન અને આહવાન બંને આપે છે. કોઈ અભ્યાસુ આ આહવાન ઝીલે એવી અપેક્ષા સાથે આ કવિની સાતત્યભરી ગઝલસાધનાને આવકારીએ અને આ તાજા સંગ્રહની એક ગઝલ માણીએ.
                  તે આજ છે.
આજ નથી તે કાલ છે, કાલ નથી તે આજ છે;
વ્યક્તિ બદલતી હોય છે, એના એ તખ્તો તાજ છે.
સૌના વિચાર છે અલગ, તોય થયા છે એકઠા,
સાથે જણાય એટલે લાગે કે આ સમાજ છે.
કેમ નમાવવાની બહુ થાય છે ઈચ્છા આપને ?
મારી ઢળે છે પાંપણો એ જ ખરી નમાજ છે.
કોઈ મને બતાવતું હોય નહીં બીજી દવા,
જાગી જવું છે દર્દ ને ઊંઘી જવું ઈલાજ છે.
આમ વિરોધાભાસમાં કેમ જિવાય જિંદગી ?
કામ નથી કોઈ મને,  કોઈને કામકાજ છે.
હોય વધારે લાગણી, ભેટી પડાય છે તરત,
એ જ કર્યું છે આપણે, કેમ કે એ રિવાજ છે.
પ્રકાશક:સંવાદ પબ્લિકેશન અમરેલી મો. ૯૭૨૭૯૮૯૨૦૯
વિક્રેતા:પુસ્તકસાથી, ભાવનગર મો.૯૮૨૪૨૯૪૦૭૫
બિપીન પાંધી સાવરકુંડલા