આચાર્ય રાજ્યપાલ દેવવ્રત આમંત્રિત ફિશ એક્સપોર્ટર જગદીશભાઈ જીલ્લા શિક્ષણ વિભાગ ના ચેરમેન વિક્રમ પટ્ટાટ માનસિંગ પરમાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત ૨૩ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ મળી કુલ ૨૭ પદકો અને ૭૯૭ પદવી પ્રમાણપત્રો અપાયા
શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઇ પાનસુરિયાએ વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ
:આચાર્ય શ્રી દેવવ્રતજી:
-સંસ્કૃત ખજાનાથી પરિપૂર્ણ અને દરેક વિદ્યાની જનની છે
-સંસ્કૃત ભાષા આપણી વેદ-સંસ્કૃતિ અને પરંપરાની વાહક છે
-સંસ્કૃત માટે આપણને દીનતા, હીનતા નહીં પરંતુ શ્રેષ્ઠતાનો ભાવ જગાવવો પડશે
-ધરતી પર આવ્યા છીએ તો એક ઈતિહાસ બનાવીએ, પરિશ્રમી અને તપસ્વી બનીએ.
-મેળવેલા જ્ઞાનથી સમાજ અને દેશ માટે શ્રેયષ્કર બનીએ
-વિદ્યાર્થીઓ સમાજને દિવ્ય, ભવ્ય અને ગુણી બનાવવાનું કર્તવ્ય નિભાવે
-જેને જ્યાં જેવી જરૂરિયાત છે, તે પ્રમાણે વિદ્યાનો પ્રસાર કરવો જોઈએ
-એક જવાબદાર નાગરિક બની, વિકસિત ભારત-2047 માટે ખંતપૂર્વક કાર્ય કરીએ
ગીર સોમનાથ, તા ૧૫: રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો.
રાજ્યપાલશ્રીએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે.
રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે. જે લોકો સંસ્કૃત નથી જાણતા તે અભાગી છે. ગાંધીજીની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, હું સંસ્કૃત નથી જાણતો તેનો રંજ છે. જે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે.
રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ જ્યાં જળની જરૂર છે, ત્યાં જળસંરક્ષણ, જ્યાં વૃક્ષોની જરૂર છે, ત્યાં વૃક્ષારોપણ, જ્યાં દીન-દુખી લોકો છે, તેવા લોકોની સેવા, જ્યાં જમીન બંજર છે, ત્યાં પ્રાકૃતિક કૃષિ જેવા પ્રયત્નો દ્વારા સમાજસેવાના કાર્યો કરવા હાકલ કરી હતી.
ધરતી પર આવ્યા છીએ તો એક ઈતિહાસ બનાવીએ, પરિશ્રમી અને તપસ્વી બનીએ. તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ કેળવીએ તેવી અપેક્ષા રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી “જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મૂર્દા દિલ ક્યા ખાક જીયા કરતે હૈ” તેમ કહી મેળવેલા જ્ઞાનને ઉત્સાહ, ઉમંગથી અન્ય લોકો સાથે વહેંચવા અને પોતાના વ્યક્તિત્વમાં રહેલા અનેક પાસાઓને ઉજાગર કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
આપણા વેદ; ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ સહિતના પરંપરાગત શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે. તેના પર તમામને ગર્વ થવો જોઈએ. આ એક ઋષિ-મનીષીઓની ભાષા છે. સંસ્કૃતના જ્ઞાતા તરીકે એ ભાષા આવડવાનો તમને ગર્વ હોવો જોઈએ. આપણી ગુરુકુળ પરંપરામાં પણ આ જ ભાષાનું અધ્યાપન અને અધ્યયન કરાવવામાં આવતું હતું.
આજે પદવી મેળવીને જનારા વિદ્યાર્થીઓમાં જે ઉદ્દેશ્ય માટે તેઓ વિદ્યા મેળવવા માટે આવ્યા હતાં, તે મેળવ્યાની સાર્થકતા જોઈએ. પદવી મેળવ્યા બાદ સમાજ અને દેશની અપેક્ષાઓમાં ખરા ઉતરવાનું તેમના પર દાયિત્વ છે. આ સિવાય આચાર્ય દેવો ભવઃ, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ ની પરંપરાને આગળ નિર્વહન કરવાની જવાબદારી પણ તમારા પર છે.
અહીંથી પાસ થઈને જનારા વિદ્યાર્થીઓ પાસે તેમણે મેળવેલું જ્ઞાન જીવનભર રહેશે. તેઓ જે પણ લોકોના સંપર્કમાં આવે તેની સાથે સત્યથી વર્તે કારણ કે સત્ય પ્રકાશ છે. સત્ય એ સાર્વભૌમિક સિદ્ધાંત છે. જે દુનિયામાં ટકાઉ છે. આ સંસારમાં જેના પર તંત્ર ચાલે છે. સ્કૂલ-કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ હોય કે પછી કોર્ટમાં જજ-વકીલ દલિલો કરી રહ્યાં હોય. આ તમામ સત્યની શોધ માટે જ છે. વિશ્વમાં અસત્ય પણ ચાલે છે, અને ખોટો સિક્કો પણ ચાલે છે. પરંતુ જ્યાં સુધી તેની ખબર નથી પડતી ત્યાં સુધી જ. જ્યારે ખબર પડે છે કે, એ નકલી છે તો તે પડી ભાંગે છે. અંતિમ તો સત્ય જ છે. અસત્યનો પહાડ ગમે એટલો મોટો હોય પરંતુ સત્ય તેને ધીમે ધીમે કોતરી નાખે છે. સત્યનું આચરણ કરવાથી આ પૃથ્વી પર સુખ, શાંતિ, નીડરતા, સંતોષ અને આનંદનું વાતાવરણ ઉભું થશે તેમ તેમણે જણાવ્યું હતું.
આપણા વેદવિજ્ઞાન વિશે તેમણે જણાવ્યું કે, આજની પૃથ્વી બે અબજ વર્ષ જૂની છે. પશ્ચિમના અમુક વિજ્ઞાનીઓ એવું કહેતા હતા કે, પૃથ્વી ચપટી છે, ચોરસ છે. પરંતુ આપણા ઋષિ મુનિઓના શાસ્ત્રો દર્શાવે છે કે, સમગ્ર પૃથ્વી ગોળ છે અને આ કારણોસર જ તેના અભ્યાસને પણ ‘ભૂ-ગોળ’ કહીએ છીએ. જેમાં ખુદ ‘ગોળ’ શબ્દ ઈંગીત છે. આવા અલભ્ય અને ઐતિહાસિક જ્ઞાન વારસાનું આપણને ગૌરવ હોવું જોઈએ.
તેમણે વિદ્યાર્થીઓને શીખ આપતાં જણાવ્યું હતું કે, તમે મેળવેલી વિદ્યા જનમાનસ સુધી ન પહોંચી શકે અને તેમના જીવનના અંધકારને ન ઉલેચી શકે તો આ વિદ્યાનો કોઈ અર્થ નથી. વિદ્યા પ્રકાશવાન, ઉજાસ ફેલાવનાર હોવી જોઈએ. આ વિદ્યાના જ્ઞાન સાથે સમાજજીવનમાં જ્યાં અધૂરપ છે, તેને પૂર્ણ કરવાનું કાર્ય કરી સમાજને દિવ્ય, ભવ્ય અને ગુણી બનાવવાનું કર્તવ્ય નિભાવવાનું છે. જે રીતે વાદળો સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવી અને જ્યાં જરુરિયાત છે ત્યાં વરસાવે છે. તે રીતે જ તમારે તમારા જ્ઞાનને જ્યાં જરૂરી છે. ત્યાં વહેંચીને જ્ઞાનનો પ્રકાશ વહેતો કરવાનો છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતે સમયે સમયે દેશને અનેક મહાનુભાવો આપ્યા છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતની ભવ્ય અને દિવ્ય વિરાસતને બચાવવાની સાથે જ ભૌતિક રીતે ઉન્નતિના માર્ગે અગ્રેસર બનાવી રહ્યાં છે. એક મોટું કાર્ય પૂર્ણ થાય ત્યાં બીજુ મોટું કાર્ય ઉપાડે છે. દેશને વર્ષ 2047 સુધી વિકસિત બનાવવા માટે આપણે સારા નાગરિક તરીકેની ફરજ બજાવી આપણું યોગદાન આપીએ.
રાજ્યપાલશ્રીએ આજના એક અખબારમાં આવેલી જામનગરના એક ખેડૂત યુવાનની વાત કહીને કઈ રીતે આ સામાન્ય ખેડૂતે પોતાની પત્નીના ખાડામાં પડવાના કારણે થયેલા મૃત્યુને એક કારણ બનાવીને સમાજના હિત ખાતર પોતાના ખિસ્સાના રુ.21 લાખ ખર્ચીને પ્રદેશમાં પડેલા ખાડાઓને પૂરવામાં લાગેલો છે. તેની લાગણીસભર વાત કરી આ પ્રકારના જીવંત અને જવાબદાર નાગરિક બનવાની શીખ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી.
આ તકે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ શુભેચ્છા સંદેશ પાઠવતાં વર્ચ્યુઅલી જણાવ્યું હતું કે, સંસ્કૃતિ જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ એટલે સંસ્કૃત. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યુનિવર્સિટીનો પાયો નાખ્યો, ત્યારે એ દ્રષ્ટિથી પાયો નાખ્યો હતો કે સંસ્કૃતનું જતન એટલે સંસ્કૃતિનું જતન થાય. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, દુનિયાએ સંસ્કૃત અને ભારતની સંસ્કૃતિ અપનાવવી પડશે. ગમે એટલા ભૌતિક સુખ-સાધનો શોધાઈ જશે, પરંતુ માનસિક સમજણ સંસ્કૃતમાંથી જ પ્રાપ્ત થશે. સંસ્કૃત એ દેવવાણી છે. જેના થકી આજે નહીં તો કાલે અને યુગો બાદ પણ દુનિયામાં ભારતની સંસ્કૃતિ ફેલાતી રહેશે. સંસ્કૃતમાંથી જ અનેક સાહિત્યોનું નિર્માણ થયું છે. પાંચ-દસ હજાર વર્ષ પહેલા ઋષિમુનીઓએ લખેલા રામાયણ, મહાભારત અને ઉપનિષદો આજે પણ લોકભોગ્ય છે. ‘તેન ત્યક્તેન ભુંજીથા:’ આ શબ્દો જ મનને સંતુષ્ટિ પમાડે છે. ભારતને વૈચારિક જરૂરિયાત આ વિદ્યાર્થીઓ દ્વારા જ પ્રાપ્ત થાય અને તેમનું જ્ઞાન સર્વત્ર ફેલાય એવી અભ્યર્થના તેમણે તેમના વર્ચ્યુઅલ સંદેશ દ્વારા આપી હતી.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયે સંસ્કૃતનું અદ્યાપન અને અધ્યયન કરીને રાષ્ટ્રની મોટી સેવા કરી છે. આજે જ્યારે આર્ટિફિશ્યિલ ઈન્ટેલીજન્સ, ડીપફેક વગેરે શબ્દ અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે વર્તમાનમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓએ પણ સંસ્કૃત શાસ્ત્રના અભ્યાસુ હોવાની સાથે તમામ અભ્યાસ કરવો જરૂરી છે. વિભિન્ન તમામ ક્ષેત્રમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ નિપુણતા કેળવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી સુકાન્તકુમાર સેનાપતિએ કહ્યું હતું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વેદ, વેદાંગ, વ્યાકરણ, પુરાણ સહિતના વિષયોનું અધ્યયન અને અધ્યાપન ભારતીય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે અને દેશ સ્તરે યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે, તેની વિગતો આપી હતી. યુનિવર્સિટીના કુલસચિવ શ્રી દશરથ જાદવે આભારવિધિ કરી હતી.
સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૦૪, આચાર્ય (એમ.એ.)-૨૨૨, પી.જી.ડી.સી.એ.-૨૦૧, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૫૪, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-૦૫ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૧૧ એમ કુલ ૭૯૭ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં. આ પદવીદાન સમારોહમાં ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ ૨૭ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતાં. આ સાથે વિશેષમાં શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૪ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ અવસરે આમંત્રિત ફિશ એક્સપોર્ટર જગદીશભાઈ જીલ્લા
શિક્ષણ વિભાગ ના ચેરમેન વિક્રમ પટ્ટાટ માનસિંગ પરમાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિતી માં ૨૩ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ મળી કુલ ૨૭ પદકો અને ૭૯૭ પદવી પ્રમાણપત્રો અપાયા
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

