Gujarat

અંજારમાં દંપતીના ઘરમાં ઘુસી છરીની અણીએ લૂંટ કરનાર છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

અંજારની જૈન કોલોનીમાં રાત્રિના સમયે ઘરમા ઘુસી છરીની અણીએ લૂંટ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી લૂંટને અંજામ આપનાર છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પુર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો હતો.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, ગત તારીખ 24/1/2024ના રોજ અંજારની જૈન કોલોનીમાં રહેતા વૃદ્ધ દંપતી ભરતભાઈ શાંતિલાલ શાહ અને પ્રતિમાબેન શાહ રાત્રે દરવાજો બંધ કરી ઘરમાં ટીવી જોતાં હતા. તે સમયે અચાનક દરવાજાનો બહારથી નકૂચો તોડી, ધક્કા મારીને બે યુવકો છરી સાથે ઘરની અંદર ધસી આવ્યાં હતાં.

દંપતી કંઈ સમજે તે પહેલાં એક યુવક ભરતભાઈ પાસે ધસી જઈ ચેઈન લૂંટવાના ઈરાદે મુક્કા મારવા માંડ્યો હતો. ભરતભાઈએ પ્રતિકાર કરવા પ્રયાસ કરતાં લૂંટારાએ તેમના પડખામાં છરી મારી દીધી હતી. ઝપાઝપીમાં ભરતભાઈને હાથે પણ છરીનો ઘસરકો થયો હતો. આ સમયે બીજા યુવકે બળજબરીપૂર્વક પ્રતિમાબેને પહેરેલી સોનાની બે બંગડીઓ ઉતરાવી લીધી હતી. રાડારાડ અને ભરતભાઈના પ્રતિકારના પગલે બેઉ જણ બંગડી લઈને ફરાર થઈ ગયાં હતાં.