આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની સમગ્ર રાષ્ટ્રમાં પરંપરાગત દેશપ્રેમ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં પણ ઠેરઠેર સ્વાતંત્ર્ય પર્વ મનાવાયું. જ્યારે દેશની મહત્વની ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વર ખાતે ઓએનજીસીના પટાંગણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે ભારતના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય વિકાસ અને ઉર્જા સુરક્ષા પ્રત્યે સંસ્થાની દેશભક્તિની ભાવના અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો.ઓએનજીસીના એસેટ મેનેજર વિજય કુમાર ગોખલેના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય સમારોહની ઉજવણીની શરૂઆત થઇ હતી, કાર્યક્રમમાં ત્રિરંગો લહેરાવાની સાથેસાથે રાષ્ટ્રગીતના ગાન સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગ દેશભક્તિ અને એકતાની ઊંડી ભાવનાને જગાવતા પ્રસંગ તરીકે યાદગાર બન્યો. સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓના વિધ્યાર્થીઓ અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી સમગ્ર પ્રસંગની ભવ્યતા વધારી હતી.

કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના ચેરમેન અને સીઈઓ અરુણ કુમાર સિંઘના સંબોધનનું લાઈવ વેબકાસ્ટ દર્શાવાયું હતું,જે ઉપસ્થિત સહુએ નિહાળી આનંદની લાગણી અનુભવી હતી. એસેટ મેનેજર વિજય કુમાર ગોખલેએ તેમના પ્રસંગોચિત વકતવ્યમાં અમર શહીદોની પવિત્ર સ્મૃતિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે આપેલ ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા અને પોતાના બલિદાન આપી આપણને આઝાદીની સૌથી મોટી ભેટ આપી એમ ઉચ્ચાર્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય, સિક્યુરિટી ફોર્સ અને એસઆરપી ટુકડીઓ, ઓએનજીસી ફાયર સર્વિસ, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાવશાળી શિસ્તબધ્ધ પરેડ દ્વારા સંકલન અને મિત્રતાની મજબૂત ભાવના દર્શાવી ઉપસ્થિતોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવી હતી.
આ પ્રસંગે ભારતના પ્રાચિન સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓએનજીસી દ્વારા યોજાયેલ સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ દેશની પ્રગતિ અને સુખાકારી માટે સંસ્થાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો હોવાની લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં માત્ર રાષ્ટ્રીય ગૌરવની ભાવના જ નહીં પરંતુ એક સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વિરલ ગોહિલ, ભરૂચ

