અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ છે. શહેરમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં એક પત્રકારની હત્યા થવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આખરે હત્યારા 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પત્રકારને બે લાખની સોપારી આપીને મારી નાંખવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
મૃતક પત્રકારની પત્ની અને મુખ્ય આરોપીના ભાઈ વચ્ચે સંબંધ હોવાથી અદાવત ચાલુ હતી. આ અદાવતમાં જ પત્રકારને જાહેરમાં છરીના ઘા મારીને રહેંસી નાંખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બે અજાણ્યા વ્યક્તિઓએ છરા માર્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત પહેલી જૂનના રોજ મનિષ શાહ નામના પત્રકાર તેમની બાઈક લઈને ઓફિસ જતાં હતાં. આ દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓએ તેમને રોક્યા હતાં અને પગમાં છરાના ઘા માર્યા હતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ દરમિયાન મનિષ શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને તેમની ફરિયાદના આધારે રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરી હતી. ચોથી જૂનના રોજ મનિષ શાહનું સારવાર દરમિયાન મોત થયું હતું.