પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે દિકરીએ પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિવિધ સેવા પ્રકલ્પો યોજી પિતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જ્યારે સમાજ પણ આ દિકરીના કાર્યને બિરદાવી રહ્યો છે.
મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલ પટેલે તેમના પિતા સ્વર્ગસ્થ નરભેરામભાઇ મોહનભાઈ ઉધરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાનએ મહાદાન ઉક્તિને ચરિતાર્થ કરવામાં આવી હતી. સાથે સાથે ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
તેમજ સાંજે સમગ્ર દેરાળા ગામ માટે જમણવારનું તથા રાત્રે ધુન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પિતાના સ્મરણાર્થે દિકરી હેતલબેન દ્વારા શબવાહિની સેવામાં આપવામાં આવી હતી. મોરબી તથા મોરબીના આસપાસના ગામના લોકોને જરૂરિયાત હોય તેમને આ શબવાહિની સેવામાં આપવામાં આવશે.
આ સંસ્થાના નેજા હેઠળ દીકરીઓ અને બહેનોને વિનામૂલ્યે ખાખરા, સીવણ કલાસીસ, અગરબતી બનાવવાનું શિખવીને પગભર કરવામાં આવે છે જેથી તેઓ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તેમજ ઝૂંપટપટ્ટીના બાળકોને અભ્યાસના કલાસીસ અને વારે તહેવારે એમને જમણવાર કરાવીને અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે.